Site icon Revoi.in

લો બોલો! કોરોના સંકટકાળમાં પણ મલેશિયાના ધનિકે ચોખા મંગાવવા હેલિકોપ્ટર મોકલ્યું

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારીએ વિશ્વના અનેક દેશોમાં હાહાકાર મચાવ્યો છે. ખાસ કરીને અનેક દેશોના અર્થતંત્રને વિપરિત રીતે અસર થવા પામી છે. અનેક લોકોને બે ટંક જમવાના પણ ફાંફા પડી રહ્યા છે.

આ પ્રકારના વિકટ સ્થિતિમાં પણ વિશ્વમાં એવા ધનાઢ્યો છે જે પોતાના શોખ અને પસંદ માટે પૈસા ખર્ચવામાં જરાય પાછા નથી વળતા. મલેશિયામાં એક ધનિકે પોતાની પસંદગીના ચોખા લેવા માટે ખાસ હેલિકોપ્ટર મોકલ્યા હતા.

રિપોર્ટ પ્રમાણે મલેશિયાની રાજધાની કુઆલાલમ્પુરમાં રહેતા એક વ્યક્તિએ પોતાની પસંદગીના ચોખા મંગાવ્યા હતા. આ ચોખા માટે તેણે નજીકના શહેરમાં હેલિકોપ્ટર મોકલ્યું હતું અને 36 પેકેટ મંગાવ્યા હતા. હેલિકોપ્ટરને ચોખા લાવવા માટે 160 કિલોમીટરની યાત્રા કરી હતી.

જો કે આ ઘટનાની જાણ થયા બાદ સમગ્ર દેશમાં તેની ટીકા થઇ રહી છે. ઉપરાંત આ ઘટનાને કોરોના માટેના નિયમોનું ઉલ્લંઘન ગણાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર હાલ આ હેલિકોપ્ટરની તસવીરો વાયરલ થઇ રહી છે અને લોકો પૂછી રહ્યા છે કે, જ્યારે લોકોને બે ટાઇમ ખાવાના ફાંફા છે ત્યારે કોઇ આવું કેવી રીતે કરી શકે.

મામલાએ ભારે ચર્ચા જગાવી છે ત્યારે હવે પોલીસે એવો ખુલાસો કર્યો છે કે, હેલિકોપ્ટરને મેન્ટનેનન્સના ભાગરૂપે ઉડાન ભરવાની છુટ આપવામાં આવી હતી. જોકે હજી સુધી ચોખા મંગાવનારા ધનિકની ઓળખ થઈ શકી નથી.