Site icon Revoi.in

કોવિડ-19એ વિશ્વની સૌથી ભીષણ મહામારી નથી: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન

Social Share

જીનેવા: કોરોના વાયરસને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું વધુ એક નિવેદન સામે આવ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર કોરોના વાયરસની મહામારી સૌથી ભયાનક નથી અને તેનાથી પણ વધુ ઘાતક વાયરસ દુનિયાને પોતાની ઝપેટમાં લઇ શકે છે. WHOના ઇમરજન્સી પ્રોગ્રામ હેડ ડૉ. માઇક રાયનનું કહેવું છે કે આ મહામારીએ વિશ્વને નિંદરમાંથી જગાડવાનું કામ કર્યું છે. કોરોના વાયરસને કારણે વિશ્વમાં 18 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પહેલા સ્પેનિશ ફ્લૂને ભીષણ વૈશ્વિક મહામારી માનવામાં આવે છે. આ ફ્લૂએ માત્ર 1 વર્ષની અંદર 5 કરોડ લોકોનો જીવ લીધો હતો.

તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ મહામારી ખૂબ જ ગંભીર રહી અને ધરતીના દરેક ખુણા પર તેની અસર રહી પરંતુ આવશ્યક નથી કે તે સૌથી મોટી હોય. તેમનું કહેવું છે કે આ જાગવાનો સમય છે. અમે શીખી રહ્યાં છીએ કે કઇ રીતે વિજ્ઞાન, લોજિસ્ટિક્સ, ટ્રેનિંગ અને પ્રશાસનમાં સારી કરી શકાય છે. કઇ રીતે સંચારને વધુ સમૃદ્વ બનાવી શકાય છે. પરંતુ આપણા ગ્રહ નાજુક છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આપણે એક જટીલ વૈશ્વિક સમાજમાં રહીએ છીએ અને ખતરા તો જારી જ રહેશે. આ ત્રાસદીમાંથી શીખવું જોઇએ કે કઇ રીતે સંયુક્તપણે અને એકતાથી કામ કરવાનું છે. આપણે સત્કાર્ય કરીને તેને સન્માન આપવું જોઇએ જેને આપણે ગુમાવ્યા.

અમેરિકા અને યુરોપમાં ભલે વેક્સીન આવી ગઇ હોય તેમ છતાં આ ખતરા વિશે જણાવતા રાયને કહ્યું હતું કે, આ વાયરસ આપણા જીવનનો ભાગ બનીને રહે તેવી સંભાવના વધુ છે, આ એક ખતરનાક રહેશે પરંતુ તેનાથી ખતરો ઓછો થતો જશે. તે જોવાનું રહેશે કે વેક્સીનનો ઉપયોગ તેને કેટલા હદ સુધી ઓછો કરી શકે છે. ભલે વેક્સીન અસરકારક હોય, પરંતુ તે વાતની ગેરંટી નથી કે તે સંપૂર્ણ રીતે વાયરસને ખતમ કરી દેશે.

નોંધનીય છે કે સ્પેનિશ ફ્લૂનો શિકાર મોટા ભાગના યુવા હતા અને 20-40 વર્ષની ઉંમરના લોકોના મોતની આશંકા તેમા વધુ હતી. માનવામાં આવી રહ્યું છે કે જો તેવી મહામારી ફરીથી દેખા દેશે તો વૈશ્વિક સભ્યતા ઠપ્પ થઇ જશે અને સૌથી મોટું ખાદ્ય સંકટ આવી જશે. ભોજનની અછતથી તોફાનો થવા લાગશે જેથી સરકારો હલી જશે અને વિશ્વમાં રાજકીય અસ્થિરતા ઉભી થશે.

સૌથી ભીષણ મહામારી બ્લેક ડેથને માનવામાં આવે છે, જેણે 1347 અને 1351 વચ્ચે આફ્રિકા, યૂરોપ અને એશિયામાં 7.5 કરોડથી 20 કરોડ વચ્ચે લોકોના જીવ લીધા હતા.

(સંકેત)