Site icon Revoi.in

જિનપિંગની ભારતને આડકતરી યુદ્વની ધમકી, ચીનની સેનાને યુદ્વ માટે તૈયાર રહેવા કહ્યું

Social Share

બિજિંગ: છેલ્લા સાત મહિનાથી ભારત-ચીન વચ્ચે લદ્દાખ સરહદ પર વિવાદ ચાલી રહ્યો છે. બંને દેશ વચ્ચે અનેકવાર કમાન્ડર સ્તરની મંત્રણા બાદ પણ સૈન્ય પરત ખેંચવા અંગે કોઇ સંમતિ સધાઇ નથી. એવામાં હવે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ફરી એક વખત ભારત સાથે યુદ્વ કરવાની આડકતરી રીતે ધમકી આપી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, શી જિનપિંગે ચીની સેનાના કમાન્ડરોની બેઠકમાં કહ્યું હતું કે, મુશ્કેલીઓની ચિંતા કર્યા વગર યુદ્વ જેવી સ્થિતિની તાલીમ વધારે મજબૂત કરવામાં આવે. આ પહેલા તેમણે અમેરિકા, ભારત સાથેના સંબંધોમાં તણાવ વચ્ચે સેનાને યુદ્વ માટે તૈયાર રહેવા કહ્યું હતું. ગત મહિને પણ જિનપિંગે નૌસેનાને સંબોધન કરતા કહ્યું હતું કે, જંગ જીતવા માટે દિમાગ અને એનર્જીને હાઇ લેવલ પર રાખવી જરૂરી છે.

જો કે હવે ફરી ચીને અવળચંડાઇ દર્શાવી છે અને જિનપિંગે કહ્યું હતું કે, પાર્ટીનો ઉદ્દેશ ચીની સેનાને વિશ્વસ્તરીય સેના બનાવવાનો છે, સૈનિકો પોતાના જીવની પરવા કર્યા વગર યુદ્વ માટે તૈયાર રહે.

આ રીતે ચીન અનેકવાર ધમકીઓ આપતું રહે છે. તેના માટે આવી ધમકીઓ કોઇ નવીન વાત નથી. ચીને ભારત સાથે મનોવૈજ્ઞાનિક યુદ્વ છેડી રાખ્યુ હોવાનું નિષ્ણાતોનું કહેવું છે. જેમ કે ચીનનું મીડિયા વારંવાર ચીનના સૈન્ય અભ્યાસના વીડિયો વાયરલ કરતું હોય છે. જેમાં રોકેટ અને મિસાઇલ લોન્ચ કરવાના દ્રશ્યો હોય છે.

(સંકેત)