Site icon Revoi.in

પાકિસ્તાનમાં ફરી શરમજનક કૃત્ય, કટ્ટરવાદીઓએ મા દુર્ગાના મંદિરમાં કરી તોડફોડ, 22 મહિનામાં 9મી વાર થયો હુમલો

Social Share

નવી દિલ્હી: પાકિસ્તાનમાં ફરી એક વખત એક નાપાક હરકત સામે આવી છે. અહીંયા કટ્ટરવાદીએ એક ઘૃણાસ્પદ કૃત્ય કર્યું છે. પાકિસ્તાનના કરાચીમાં નારિયન પોરા હિંદુ મંદિર પર કટ્ટરવાદીઓએ હુમલો કર્યો છે. કટ્ટરપંથીઓએ અહીંયા મા દુર્ગાના મંદિરમાં તોડફોડ કરવાની સાથે મા દુર્ગાની મૂર્તિના ધડને તોડી નાખ્યું છે. છેલ્લા 22 મહિનામાં હિંદુ મંદિરો પર આ 9મો મોટો હુમલો છે.

ભલે પાકિસ્તાનની સરકાર દ્વારા મંદિરોની સુરક્ષાના દાવા કરવામાં આવતા હોય પરંતુ આ દરેક દાવાઓ પોકળ સાબિત થતા છેલ્લા 22 મહિનામાં 9 વાર મંદિરો પર હુમલો થવાની ઘટના બની છે. પાકિસ્તાની પત્રકાર વિંગાસે આ જાણકારી આપી છે. મંદિરો પર હુમલો છતાં ગુનેગારો વિરુદ્વ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.

છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનમાં આવેલા હિંદુ મંદિરો પર થતા હુમલા મામલે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે સખ્તાઇભર્યું વલણ અપનાવ્યું છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગણેશ મંદિર પર થયેલા હુમલા બાદ સુપ્રીમ કોર્ટે આ મામલે પંજાબ રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિરીક્ષકને સમન્સ પાઠવ્યા છે.

આ શરમજનક કૃત્યના 24 કલાક બાદ પાક. વડાપ્રધાન ઇમરાન ખાને મંદિરને પુન:સ્થાપિત કરવાનું વચન આપ્યું હતું. ઇમરાન ખાને ટ્વીટ કરી હતી કે, તેઓ રહીમ યાર ખાનના ભોંગમાં ગણેશ મંદિર પર થયેલા હુમલાની સખત નિંદા કરે છે, તેમણે આઇજી પંજાબને તમામ ગુનેગારોની ધરપકડ સુનિશ્વિત કરવા જણાવ્યું છે.