Site icon Revoi.in

રશિયાએ અમેરિકા સાથેની ન્યૂક્લીઅર આર્મ્સ ટ્રીટી પાંચ વર્ષ માટે લંબાવી

Social Share

મોસ્કો: રશિયાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. રશિયાના પ્રમુખ વ્લાદીમિર પુટિને અમેરિકા સાથેની ન્યૂક્લીયર આર્મ્સ ટ્રીટી વધુ પાંચ વર્ષ માટે લંબાવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ સમજૂતિની અવધિ આગામી સપ્તાહે પૂરી થવાની હતી. એ પહેલાં પુટિને આ સંધિ વધુ પાંચ વર્ષ માટે લંબાવવાની જાહેરાત કરી હતી. મંગળવારે પુટિને ન્યૂ સ્ટાર્ટ સમજૂતી પાંચ વર્ષ માટે લંબાવવાની ઔપચારિક રીતે જાહેરાત કરી હતી.

આપને જણાવી દઇએ કે ન્યૂ સ્ટાર્ટ અમેરિકા અને રશિયા વચ્ચે થયેલી એક સમજૂતી છે. આ સમજૂતી અણુ શસ્ત્રો પર નિયંત્રણ મૂકવાના અને બંને દેશો વચ્ચે શાંતિપૂર્ણ સંબંધો પ્રસ્થાપિત કરવાના હેતુસર મહત્વની ગણાય છે. આ સંધિ પર વર્ષ 2010માં બંને દેશોએ સહી સિક્કા કર્યા હતા. આ સંધિ અન્વયે અમેરિકા અને રશિયા દ્વારા 1550 પરમાણુ શસ્ત્રો તહેનાત કરવાની છૂટ બંને દેશોને હતી.

પ્રવર્તમાન સમયની વાત કરીએ તો અમેરિકા અને રશિયા બંને એવો દેશો છે જેમની પાણે અઢળક પ્રમાણમાં અણુ શસ્ત્રોનો ભંડાર છે. જો કે આ બંને દેશો વિકાસશીલ અને ગરીબ દેશો શાંતિપૂર્ણ હેતુઓ માટે અણુશક્તિ વિકસાવે તેનો સતત વિરોધ કરી રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે રશિયાના પુટિને કરેલી આ જાહેરાતના સંદર્ભમાં અમેરિકાના નવા પ્રમુખ જો બાઇડેન કે અમેરિકાના સંરક્ષણ ખાતા તરફથી કોઇ પ્રતિભાવ હજુ સુધી પ્રાપ્ત થયા નથી.

(સંકેત)

Exit mobile version