Site icon Revoi.in

કોરોના વેક્સીનના પ્રથમ ડોઝ બાદ સંક્રમણનો ખતરો 65 ટકા ઓછો થાય છે: રિસર્ચ

Social Share

નવી દિલ્હી: કોરોના વેક્સીનને લઇને અનેક મતમતાંતરો જોવા મળી રહ્યા છે ત્યારે આ વચ્ચે એક સારા સમાચાર મળી રહ્યા છે. બ્રિટનમાં થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે વેક્સીનનો પ્રથમ ડોઝ લીધા બાદ જ સંક્રમણનો ખતરો ઓછો થવા લાગે છે. વૈજ્ઞાનિકોએ બ્રિટનમાં ઉપયોગ થનાર ઑક્સફોર્ડ, એસ્ટ્રાજેનેકા, બાયો એન ટેક વેક્સીનને પોતાના રિસર્ચમાં સામેલ કરી હતી. રિસર્ચમાં સામે આવ્યું હતું કે, વેક્સીનના પ્રથમ ડોઝ બાદ સંક્રમણનો ખતરો 65 ટકા ઓછો થઇ જાય છે.

રસીના બેમાંથી એક ડોઝે પણ વડીલો, યુવાનો તેમજ સ્વસ્થ લોકોમાં કોરોના સંક્રમણનો ખતરો ઓછો કર્યો છે તેવું રિસર્ચમાં જાણવા મળ્યું છે. આપને જણાવી દઇએ કે વેક્સીનના બે ડોઝ લગાવવામાં આવે છે, પહેલા ડોઝના 28 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવે છે.

આ રિસર્ચ કોરોના વેક્સીનને લઇને ઉદ્દભવેલી શંકાઓને દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવું માનવામાં આવી રહ્યું છે. વેક્સીનને લઇને લોકોના મનમાં અનેક શંકા છે. વેક્સીનેશન બાદ પણ સંક્રમણના સમાચારે રસીને લઇને તેમના વિશ્વાસને પ્રભાવિત કર્યો છે, પરંતુ આ અભ્યાસથી સ્પષ્ટ થાય છે કે વેક્સીન લગાવવી કેટલી આવશ્યક છે.

જોકે રિસર્ચકર્તાએ સતર્ક કર્યા છે કે વેક્સીન લગાવ્યા પછી પણ વ્યક્તિ સંક્રમિત થઇ શકે છે અને લક્ષણો વિના સંક્રમિત થયા બાદ તે જીવલેણ વાયરસને ફેલાવી શકે છે. જેથી માસ્ક (Mask) લગાવવું અને સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવું જરૂરી છે.

સંશોધનકર્તાઓએ સપ્ટેમ્બર 2020થી એપ્રિલ 2021 વચ્ચે બ્રિટનમાં 350000 લોકોના ટેસ્ટનું વિશ્લેષણ કર્યું અને જાણવા મળ્યું કે રસીના પ્રથમ ડોઝ બાદ 21 દિવસમાં કોરોના વાયરસ સંક્રમણમાં ઘટાડો થવામાં 21 દિવસનો સમય લાગે છે. ડોક્ટરોના અનુસાર રસી લગાવ્યા બાદ 21 દિવસમાં કોરોના વાયરસના વિરૂદ્ધ રોગપ્રતિરોધક ક્ષમતા વિકસિત થવામાં 21 દિવસનો સમય લાગે છે. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે પ્રથમ ડોઝ બાદ તે 21 દિવસમાં સંક્રમણનો ખતરો 65 ટકા સુધી ઓછો થઇ ગયો અને બીજા ડોઝ બાદ તેમાં 70 થી 77 ટકાનો ઘટાડો નોંધાયો છે.

(સંકેત)