Site icon Revoi.in

ખાડી દેશોના હોટલ માલિકોને અમેરિકી સૈનિકો મામલે ઈરાને આપ્યું અલ્ટીમેટમ

Social Share

તેહરાન,27 માર્ચ 2026: ઈઝરાયેલ અને અમેરિકા સાથે ચાલી રહેલા ભીષણ સંઘર્ષ વચ્ચે ઈરાને હવે બહેરીન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) ના હોટલ માલિકોને કડક ‘અલ્ટીમેટમ’ જારી કર્યું છે. ઈરાને ચેતવણી આપી છે કે જો આ હોટલોમાં અમેરિકી સૈન્ય કર્મચારીઓને રોકાણ આપવામાં આવશે, તો તે તમામ મિલકતોને ઈરાની સેનાના ‘વૈધ સૈન્ય લક્ષ્ય’ માનવામાં આવશે અને તેના પર હુમલો કરવામાં આવશે.

ઈરાનની અર્ધ-સરકારી ન્યૂઝ એજન્સી ‘ફાર્સ’ ના અહેવાલ મુજબ, ઈરાની હુમલાઓ અને સાથી સંગઠનોના ઓપરેશન બાદ અમેરિકી સૈનિકો પોતાનો જીવ બચાવવા માટે પ્રાદેશિક હોટલોમાં શરણ લઈ રહ્યા છે. મધ્ય પૂર્વમાં અમેરિકી સૈન્ય માળખા પર થયેલા સતત હુમલાઓને કારણે સૈનિકોએ નાગરિક વિસ્તારો તરફ પ્રયાણ કર્યું છે.

ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ગંભીર આરોપ લગાવતા લખ્યું છે કે, “યુદ્ધની શરૂઆતથી જ અમેરિકી સૈનિકો જીસીસી (ખાડી સહયોગ પરિષદ) ના સૈન્ય મથકો છોડીને હોટલો અને ઓફિસોમાં છુપાઈ ગયા છે. તેઓ સામાન્ય નાગરિકોને ‘હ્યુમન શીલ્ડ’ (માનવ ઢાલ) તરીકે વાપરી રહ્યા છે.” તેમણે ખાડી દેશોની હોટલોને અમેરિકાની હોટલો જેવી જ નીતિ અપનાવવા વિનંતી કરી છે, જેમાં જોખમી ગ્રાહકોને બુકિંગ આપવાની મનાઈ હોય છે.

રિપોર્ટ અનુસાર, આ ચેતવણી એ તમામ ઠેકાણાઓ પર લાગુ થાય છે જ્યાં વિદેશી સૈનિકોને પનાહ આપવામાં આવી છે. શિન્હુઆ ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, બેરૂતના જૂના એરપોર્ટ પાસેના લોજિસ્ટિક્સ બેઝ, દમાસ્કસની જાણીતી હોટલો જેવી કે ‘રિપબ્લિક પેલેસ’, ‘ફોર સીઝન્સ’ અને ‘શેરેટન’ અને જીબૂતી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરેલા અમેરિકી મરીન સૈનિકોની ગતિવિધિઓ પર પણ ઈરાનની નજર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 28 ફેબ્રુઆરીથી ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ભયંકર સંઘર્ષ ચાલી રહ્યો છે. આ હુમલાઓમાં ઈરાનના તત્કાલીન સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈ અને અનેક વરિષ્ઠ સૈન્ય કમાન્ડરો સહિત હજારો નાગરિકોના મોત થયા છે. અત્યારે સમગ્ર મધ્ય પૂર્વમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે અને ઈરાનની આ નવી ચેતવણીથી ખાડી દેશોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચોઃ H-1B વિઝાધારકોનું લઘુતમ વેતન વધારવા પ્રસ્તાવ, જાણો કોને લાભ થશે?

Exit mobile version