નવી દિલ્હી, 14 માર્ચ 2026: મધ્ય-પૂર્વમાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે ભારતીય જહાજો માટે રાહતના સમાચાર આવ્યા છે. ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહલીએ શુક્રવારે(13 માર્ચ, 2026) સંકેત આપ્યો હતો કે હોર્મુઝની વ્યૂહાત્મક ખાડીમાંથી ભારતીય જહાજોને ટૂંક સમયમાં જ સુરક્ષિત અવરજવરની મંજૂરી આપવામાં આવશે.
રાજદૂત ફતહલીએ ભારતને મિત્ર દેશ ગણાવતા ભારપૂર્વક કહ્યું હતું કે, બંને દેશો આ ક્ષેત્રમાં સમાન હિતો ધરાવે છે અને આ નિર્ણયની અસર આગામી બે-ત્રણ કલાકમાં જ જોવા મળી શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, યુદ્ધ બાદની વર્તમાન સ્થિતિમાં ભારત સરકારે ઈરાનને અનેક મોરચે મદદ કરી છે.
આ મહત્ત્વપૂર્ણ નિવેદન ઈરાનના ડેપ્યુટી વિદેશ મંત્રી મજીદ તખ્ત-રવાંચીના તે નિવેદન બાદ આવ્યું છે, જેમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેહરાને પસંદગીના કેટલાક દેશોના જહાજોને જ હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપી છે. તખ્ત-રવાંચીએ ઈરાન પર લાગેલા ‘દરિયાઈ સુરંગો’ બિછાવવાના આરોપોને નકારી કાઢતા જણાવ્યું હતું કે, યુદ્ધ દરમિયાન આ માર્ગ બંધ હતો. જોકે, તેમણે કડક શબ્દોમાં ચેતવણી પણ આપી છે કે, ઈરાન વિરુદ્ધ આક્રમક કાર્યવાહીમાં સામેલ હોય તેવા દુશ્મન દેશોને આ સુરક્ષિત માર્ગનો લાભ આપવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે, હોર્મુઝની ખાડી વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગો પૈકીનો એક છે, જ્યાંથી વૈશ્વિક તેલ અને ગેસ નિકાસનો અંદાજે 20 ટકા હિસ્સો પસાર થાય છે. બીજી તરફ, ભારતનું પતન, પોત પરિવહન અને જળમાર્ગ મંત્રાલય પણ સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, હાલ પર્સિયન ગલ્ફ ક્ષેત્રમાં ભારતીય ધ્વજ ધરાવતા 28 જહાજો છે, જેમાં કુલ 778 ભારતીય નાવિકો સવાર છે. આ પૈકી 24 જહાજો ખાડીની પશ્ચિમમાં અને 4 જહાજો પૂર્વ દિશામાં સ્થિત છે.
ભારતીય સત્તાવાળાઓ, જહાજ સંચાલકો અને ભરતી એજન્સીઓ સ્થાનિક વહીવટીતંત્ર અને ભારતીય દૂતાવાસોના સતત સંપર્કમાં છે જેથી નાવિકોની સુરક્ષા અને જરૂર પડે તબીબી સહાય સુનિશ્ચિત કરી શકાય. ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગ દ્વારા 28 ફેબ્રુઆરી 2026ના રોજ જારી કરવામાં આવેલી સુરક્ષા એડવાઈઝરી હાલમાં પણ અમલી છે અને સમુદ્રી સ્થિતિને ધ્યાનમાં રાખીને દેખરેખ તેમજ સાવચેતીના પગલાં વધુ સજ્જ કરવામાં આવ્યા છે.
વધુ વાંચો: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલકાતામાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

