Site icon Revoi.in

ઈરાનમાં હવે વિદેશ નીતિ પર IRGCનો કબજો, અમેરિકા સાથે શાંતિ મંત્રણાના દરવાજા લગભગ બંધ

Social Share

તેહરાન, 20 એપ્રિલ 2026: ઈરાનના રાજકારણ અને તેની વિદેશ નીતિને લઈને એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ મુજબ, ઈરાનની સેના અને વિદેશ નીતિ પર હવે કટ્ટરપંથી સંગઠન ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર (આઈઆરજીસી)એ સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. અત્યાર સુધી શાંતિ અને વાટાઘાટોમાં વિશ્વાસ રાખનારા ઉદારવાદી નેતાઓને સાઈડલાઈન કરી દેવામાં આવ્યા છે અને હવે તમામ મોટા નિર્ણયો આઈઆરજીસીના કમાન્ડર અહેમદ વાહિદી અને તેમની ટીમ લઈ રહી છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અમેરિકા સાથે મંત્રણા કરીને સ્થિતિ સામાન્ય બનાવવા માંગતા હતા. તેમણે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગ ‘હોર્મુઝની સામુદ્રધુની’ને ખોલવા પર પણ સહમતી દર્શાવી હતી. જોકે, આઈઆરજીસીએ આ નિર્ણયને માનવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. કટ્ટરપંથીઓએ આદેશ આપ્યો છે કે જ્યાં સુધી તેમની શરતો પૂરી ન થાય ત્યાં સુધી આ માર્ગ બંધ જ રહેશે.

આઈઆરજીસીના કડક વલણને કારણે પર્શિયન ગલ્ફમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. જ્યારે કેટલાક જહાજોએ આ જળમાર્ગમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઈરાની દળોએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. આ આક્રમકતાને કારણે અત્યારે સમુદ્રમાં સેંકડો વેપારી જહાજો ફસાયેલા છે, જેનાથી વૈશ્વિક તેલ પુરવઠા પર મોટું જોખમ ઊભું થયું છે.

રિપોર્ટ અનુસાર, આઈઆરજીસીની અંદર અહેમદ વાહિદીને મોહમ્મદ બગેર જોલગાદ્ર જેવા પ્રભાવશાળી નેતાઓનું સમર્થન મળ્યું છે. આ નેતાઓનું વર્ચસ્વ હવે માત્ર સરહદ સુધી મર્યાદિત નથી, પરંતુ તેઓ સીધા જ કૂટનીતિક નિર્ણયોમાં દખલ કરી રહ્યા છે. વિદેશ મંત્રી અરાઘચી પર ‘નરમ વલણ’ અપનાવવાનો આરોપ લગાવીને તેમની આખી ટીમને તેહરાન પાછી બોલાવી લેવામાં આવી છે.

ઈરાનમાં થયેલા આ નેતૃત્વ પરિવર્તનને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી છે. રશિયા-યુક્રેન કે ઈઝરાયેલ-લેબનાન સંકટ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે જે મંત્રણાની આશા હતી, તે હવે ઠગારી નીવડી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે જે નેતાઓ પાસે વાતચીતની જવાબદારી છે, તેમની પાસે હવે કોઈ સત્તા રહી નથી. આવી સ્થિતિમાં સંઘર્ષવિરામ કેટલો સમય ટકશે અને તણાવ ઓછો થશે કે યુદ્ધમાં પરિણમશે, તે જોવું મહત્વનું રહેશે.

આ પણ વાંચોઃ જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી

Exit mobile version