Site icon Revoi.in

સામેની વ્યક્તિ ખરેખર ખુશ છે કે નકલી સ્મિત આપે છે? આ રીતે ઓળખો

Social Share

કહેવાય છે કે સ્મિત એ હૃદયનો અરીસો છે, પરંતુ આધુનિક સમયમાં લોકો સ્મિતનો ઉપયોગ એક ‘મુખૌટા’ તરીકે પણ કરતા થયા છે. ઘણીવાર આપણને પસંદ ન હોય તેવી વ્યક્તિ સામે કે કંટાળાજનક પરિસ્થિતિમાં પણ આપણે શિષ્ટાચાર ખાતર હોઠ પર સ્મિત રાખતા હોઈએ છીએ. મનોવિજ્ઞાનીઓના મતે, માનવીના ચહેરા પર આવતી દરેક મુસ્કાન પાછળ એક અલગ જ રહસ્ય છુપાયેલું હોય છે. તમે પણ જો કોઈની સ્મિત પાછળનું સત્ય જાણવા માંગતા હોવ, તો આ સંકેતો તમારા કામના છે.

વિજ્ઞાનની ભાષામાં સાચી મુસ્કાનને ‘ડુસેન સ્માઈલ’ કહેવામાં આવે છે. જ્યારે વ્યક્તિ હૃદયથી ખુશ હોય છે, ત્યારે તેના ગાલ ઉપરની તરફ ખેંચાય છે અને આંખોના ખૂણા પર ઝીણી કરચલીઓ દેખાય છે. જો કોઈ માત્ર હોઠથી હસે છે અને તેની આંખોમાં કોઈ હલચલ નથી થતી, તો સમજી લેવું કે તે સ્મિત સાચું નથી.

કુદરતી સ્મિતમાં હોઠ સહજતાથી ઉપરની તરફ વળે છે. જ્યારે બનાવટી સ્મિતમાં હોઠ ઉપર જવાને બદલે બંને બાજુએ (સમાંતર) ખેંચાયેલા લાગે છે. આવી સ્મિતમાં વ્યક્તિ કાં તો જરૂર કરતાં વધુ દાંત બતાવે છે અથવા હોઠ સખત રીતે દબાવી રાખે છે, જે ચહેરા પરના તણાવને સ્પષ્ટપણે છતો કરે છે.

બનાવટી સ્મિતને પકડવાનો સૌથી સહેલો રસ્તો તેની અવધિ (Duration) છે. જો કોઈ વ્યક્તિ તમારી સામે જોઈને હસે છે, પણ જેવી તમારી નજર તેના પરથી હટે કે તરત જ તેના ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ જાય અને ચહેરો એકદમ ગંભીર થઈ જાય, તો તે વ્યક્તિ માત્ર દેખાવો કરી રહી છે.

જ્યારે આપણે સાચા હૃદયથી હસીએ છીએ ત્યારે આપણી વોકલ કોર્ડ (સ્વર પેટી) પર તેની અસર થાય છે, જેનાથી અવાજ થોડો નરમ અને મધુર બને છે. નકલી સ્મિત ધરાવતી વ્યક્તિના અવાજમાં આ કુદરતી નરમાશ હોતી નથી, ઉલટું તેના અવાજમાં અકુદરતી ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.

સાચી હસી આખા ચહેરા પર ફેલાયેલી હોય છે, જેમાં કપાળ અને ભમરનો ભાગ પણ સામેલ હોય છે. બનાવટી મુસ્કાન ચહેરાના માત્ર નીચલા ભાગ (હોઠ અને દાઢી) પૂરતી જ મર્યાદિત હોય છે. જો વ્યક્તિનું કપાળ અને આંખો એકદમ શાંત હોય અને માત્ર હોઠ જ હસતા હોય, તો તે એક આયોજિત મુસ્કાન છે.

આમ, સ્મિત એ માત્ર ચહેરાની એક ક્રિયા નથી, પરંતુ તે લાગણીઓની અભિવ્યક્તિ છે. બીજાના મનના ભાવો જાણવા માટે હવે માત્ર હોઠ નહીં, પણ તેમની આંખો અને અવાજ પર પણ ધ્યાન આપવું જરૂરી છે.

આ પણ વાંચોઃપાકિસ્તાની યુવતીઓનો “ધુરંધર” ડાન્સ, જુઓ વીડિયો

 

Exit mobile version