Site icon Revoi.in

ICC T20 રેન્કિંગમાં ઇશાન કિશનનો દબદબો, ટોપ-10માં ધમાકેદાર એન્ટ્રી

Social Share

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી 2026: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા તાજેતરની T20 રેન્કિંગ જાહેર કરવામાં આવી છે, જેમાં ભારતીય બેટ્સમેનોનો દબદબો જોવા મળ્યો છે. આ રેન્કિંગમાં સૌથી મોટો ઉછાળો ઇશાન કિશને નોંધાવ્યો છે, જે 17 બેટ્સમેનોને પાછળ છોડીને ટોપ-10માં સામેલ થઈ ગયો છે. બીજી તરફ, ટી20 વર્લ્ડ કપમાં સતત બે મેચમાં શૂન્ય પર આઉટ થવા છતાં યુવા બેટ્સમેન અભિષેક શર્મા દુનિયાનો નંબર-1 બેટ્સમેન જળવાઈ રહ્યો છે.

તાજા રેન્કિંગ અનુસાર, અભિષેક શર્મા 891 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને યથાવત છે. આશ્ચર્યની વાત એ છે કે અભિષેક યુએસએ અને આયર્લેન્ડ સામેની મેચમાં ખાતું પણ ખોલાવી શક્યો ન હતો, તેમ છતાં જૂના પોઈન્ટ્સના આધારે તેનું સ્થાન સુરક્ષિત છે. બીજી તરફ ઇશાન કિશન 17 સ્થાનની લાંબી છલાંગ લગાવીને 8મા નંબરે પહોંચ્યો છે. તેમજ બીજા સ્થાન ઉપર ફિલ સ્ટોલ યથાવત છે. પાથુમ નિસાન્કા ત્રીજા સ્થાને, તિલક વર્મા ચોથા સ્થાને અને સૂર્યકુમાર યાદવ છઠ્ઠા સ્થાને છે.
બોલિંગ રેન્કિંગમાં વરુણ ચક્રવર્તીનો દબદબો જોવા મળ્યો છે.ભારતીય સ્પિનર વરુણ ચક્રવર્તી T20 બોલરોની યાદીમાં હજુ પણ નંબર-1ના સ્થાને બિરાજમાન છે. જ્યારે અફઘાનિસ્તાનનો રાશિદ ખાન એક સ્થાનના ફાયદા સાથે બીજા નંબરે પહોંચી ગયો છે. જ્યારે પાકિસ્તાનનો અબરાર અહમદ ત્રીજા અને ઇંગ્લેન્ડનો આદિલ રશીદ ચોથા સ્થાને છે. તેમજ ઝિમ્બાબ્વેના બ્રૈડ ઇવાન્સે મોટી પ્રગતિ કરતા 10 ખેલાડીઓને પછાડીને 5મું સ્થાન મેળવ્યું છે.

ઓલરાઉન્ડરોની યાદીમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. પાકિસ્તાનનો સેમ અય્યુબ ઝિમ્બાબ્વેના સિકંદર રઝાને પાછળ છોડીને વિશ્વનો નંબર-1 ઓલરાઉન્ડર બની ગયો છે. જ્યારે ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ત્રીજા સ્થાને યથાવત છે. બીજી તરફ નેપાળનો દીપેન્દ્ર સિંહ એરી સ્કોટલેન્ડ સામેના શાનદાર પ્રદર્શન બાદ બે સ્થાનના ફાયદા સાથે ચોથા નંબરે પહોંચી ગયો છે. આ રેન્કિંગ દર્શાવે છે કે આગામી મેચોમાં ફોર્મ અને રેટિંગ પોઈન્ટ્સ વચ્ચેની સ્પર્ધા વધુ રોમાંચક બનશે. ખાસ કરીને વર્લ્ડ કપના પ્રદર્શન બાદ આગામી અઠવાડિયે આ રેન્કિંગમાં ફરી મોટા ફેરફારો જોવા મળી શકે છે.

 

Exit mobile version