Site icon Revoi.in

હમાસ મસ્જિદનો આતંકવાદી પ્રવૃતિ માટે ઉપયોગ કરતું હોવાનો ઈઝરાયલનો દાવો, વીડિયો કર્યો જાહેર

Social Share

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન બંધનનો મુક્ત કરવા મામલે ઈઝરાયલ દ્વારા ચાર દિવસ યુદ્ધ વિરામનો નિર્ણય કર્યો છે. બીજી તરફ ઈઝરાયલ દ્વારા હમાસના કૃત્યોને લઈને વધુ એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં હમાસના આતંકવાદીઓ મસ્જિદ જેવા ધાર્મિક સ્થળનો આતંકવાદી પ્રવૃતિ માટે ઉપયોગ કરવામાં આવતા હોવાનો દાવો કર્યો હતો. અગાઉ હમાસ હોસ્પિટલનો આતંકવાદી પ્રવૃતિ માટે ઉપયોગ કરતું હોવાનો વીડિયો પણ ઈઝરાયલ આર્મીએ જાહેર કર્યો હતો.

ઈઝરાયેલના સુરક્ષા દળોએ ગાઝામાં એક મસ્જિદનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો દ્વારા IDFએ દાવો કર્યો હતો કે, હમાસના લડવૈયાઓ મસ્જિદનો ઉપયોગ શસ્ત્રોનો સંગ્રહ કરવા અને રોકેટ બનાવવા કરતા હતા. IDFએ દાવો કર્યો હતો કે, પ્રયોગશાળા દિવાલની પાછળ સ્થિત હતી, જે ટનલને શોધતી વખતે મળી આવી હતી. લેબની અંદર, IDFને વિવિધ પ્રકારના મોર્ટાર, રોકેટ અને વિસ્ફોટક સામગ્રી ઉપરાંત વ્હાઇટબોર્ડ પર દોરેલા રોકેટ સ્કેચ મળ્યા હતા.

હમાસના છૂપા સ્થાન સાથે જોડાયેલ વિડીયો કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, મસ્જિદ જેવા પવિત્ર સ્થળોનો ઉપયોગ આતંકવાદ માટે ન થવો જોઈએ, જે એક સમયે પ્રાર્થનાનું સ્થળ હતું તે હવે આતંકવાદનું ઘર છે. મસ્જિદ સંબંધિત મામલો IDF દ્વારા ત્યારે સામે આવ્યો જ્યારે તેમણે ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ અલ-શિફા હોસ્પિટલ હેઠળ હમાસનો અડ્ડો અને બંધકો શોધવાનો દાવો કર્યો હતો.

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 46 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન ઈઝરાયેલ અને હમાસે 4 દિવસના યુદ્ધવિરામની જાહેરાત કરી છે. આ 4 દિવસ દરમિયાન બંને પક્ષો વચ્ચે કોઈ લડાઈ નહીં થાય. બંધકોની મુક્તિના બદલામાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમય દરમિયાન, હમાસ 50 ઇઝરાયેલ બંધકોને મુક્ત કરવા માટે સંમત થયા છે. અગાઉ હમાસે માત્ર 4 બંધકોને મુક્ત કર્યા હતા. જો કે, હમાસે કહ્યું કે 240 ઈઝરાયેલી બંધકોમાંથી એકનું પણ મોત થયું છે.

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે, હમાસ વિરુદ્ધ યુદ્ધ વિરામ પછી પણ યુદ્ધ ચાલુ રહેશે. નેતન્યાહુએ કહ્યું કે હું પુનરોચ્ચાર કરવા માંગુ છું કે યુદ્ધ ચાલુ છે અને જ્યાં સુધી આપણે આપણા તમામ લક્ષ્યોને પ્રાપ્ત કરીએ ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે. અમારો ધ્યેય હમાસને ખતમ કરવાનો અને તમામ બંધકોને પરત લાવવાનો છે.