- આદિત્ય-L1 મિશન થશે લોન્ચ
- ઇસરો ચીફ એસ. સોમનાથ પહોંચ્યા મંદિર
- કહ્યું- ટૂંક સમયમાં ચંદ્રયાન-4ની જાહેરાત કરશે
શ્રીહરિકોટા: ચંદ્ર પર વિજય મેળવ્યા બાદ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) હવે સૂર્ય મિશન તરફ આગળ વધી રહી છે. આદિત્ય-એલ1 નામનું આ સૂર્ય મિશન શ્રીહરિકોટા સ્પેસપોર્ટથી લોન્ચ થવા જઈ રહ્યું છે. આ મિશનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી તેને લોન્ચ કરવામાં આવશે. મિશનના લોન્ચ પહેલા ISROના વડા એસ સોમનાથ મંદિરે પૂજા કરવા પહોંચ્યા હતા અને ISROના આગામી મિશન વિશે માહિતી આપી હતી.
લોન્ચ પહેલા તિરુપતિ જિલ્લાના ચેંગલમ્મા પરમેશ્વરી મંદિરમાં પ્રાર્થના કરવા પહોંચેલા ઈસરોના વડા એસ સોમનાથ, આદિત્ય L1 વિશે માહિતી આપી. તેમણે કહ્યું, “આદિત્ય L1 માટેનું કાઉન્ટડાઉન આજથી શરૂ થઈ રહ્યું છે અને તે આવતીકાલે સવારે 11.50 વાગ્યે લોન્ચ થશે. આદિત્ય L1 ઉપગ્રહ સૂર્યનો અભ્યાસ કરવાનો છે. તેને L1 બિંદુ સુધી પહોંચવામાં 125 દિવસ લાગશે. તે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્ષેપણ છે.
ઈસરોના વડા એસ સોમનાથે આદિત્ય એલ1 સિવાય ભારતના આગામી અવકાશ મિશન વિશે પણ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ગગનયાનનું અમારું આગામી પ્રક્ષેપણ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં થશે. તેમણે કહ્યું કે અમે હજુ ચંદ્રયાન-4 અંગે નિર્ણય લીધો નથી, અમે ટૂંક સમયમાં તેની જાહેરાત કરીશું.