Site icon Revoi.in

ભારતીય સમાજની શક્તિ અને પ્રેરણાના કારણે જ રાષ્ટ્રની શાશ્વતતા જળવાઇ રહી છેઃ વડાપ્રધાન મોદી

Social Share

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના ભીલવાડામાં ભગવાન શ્રી દેવનારાયણજીના 1111મા ‘અવતરણ મહોત્સવ’ના સ્મૃતિ સમારંભમાં સંબોધન આપ્યું હતું. પીએમએ મંદિર દર્શન અને પરિક્રમા કર્યા હતા અને લીમડાનો છોડ પણ રોપ્યો હતો. તેમણે યજ્ઞશાળામાં ચાલી રહેલા વિષ્ણુ મહાયજ્ઞમાં પૂર્ણાહુતિ પણ કરી હતી. રાજસ્થાનના લોકો ભગવાન શ્રી દેવનારાયણજીની પૂજા કરે છે અને તેમના અનુયાયીઓ સમગ્ર દેશમાં ફેલાયેલા છે. તેઓ ખાસ કરીને જનસેવા માટેના પોતાના કાર્યો બદલ લોકોમાં પૂજનીય સ્થાન ધરાવે છે. દરમિયાન વડાપ્રધાને કહ્યું હતું કે, “ભારતીય સમાજની શક્તિ અને પ્રેરણાના કારણે જ રાષ્ટ્રની શાશ્વતતા જળવાઇ રહી છે”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ અહીં પીએમ તરીકે નહીં પરંતુ ભગવાન શ્રી દેવનારાયણજીના આશીર્વાદ મેળવવા માટે ઇચ્છુક એક તીર્થયાત્રી તરીકે આવ્યા છે. તેમણે યજ્ઞશાળામાં ચાલી રહેલા વિષ્ણુ મહાયજ્ઞમાં ‘પૂર્ણાહુતિ’ કરી શક્યા તે બદલ પણ આભાર વ્યક્ત કર્યો હતો. પીએમએ કહ્યું હતું કે, “દેવનારાયણજી અને ‘જનતા જનાર્દન’ બંનેના ‘દર્શન’ની પ્રાપ્તિથી હું ધન્યતા અનુભવું છું”. “અહીં આવેલા દરેક અન્ય તીર્થયાત્રીઓની જેમ, હું દેશના નિરંતર વિકાસ અને ગરીબોના કલ્યાણ માટે ભગવાન શ્રી દેવનારાયણજી પાસેથી આશીર્વાદ માંગું છું”.

ભગવાન શ્રી દેવનારાયણજીના 1111મા અવતરણ દિવસના ભવ્ય પ્રસંગ પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ છેલ્લા એક સપ્તાહથી અહીં ચાલી રહેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને તેમાં ગુર્જર સમુદાયની સક્રિય ભાગીદારીની નોંધ લીધી હતી. તેમણે આ સમુદાયની દરેક વ્યક્તિના પ્રયાસોની પ્રશંસા કરી અને તેમને આ પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા.

પ્રાચીનકાળથી નિરંતર વહી રહેલા ભારતીય ચેતનાના પ્રવાહનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત માત્ર કોઇ જમીનનો સમૂહ નથી પરંતુ તે આપણી સભ્યતા, સંસ્કૃતિ, સંવાદિતા અને સામર્થ્યની અભિવ્યક્તિ છે. તેમણે ભારતીય સંસ્કૃતિની સ્થિતિસ્થાપકતા વિશે વાત કરી કારણ કે અન્ય ઘણી સંસ્કૃતિઓ બદલાતા સમય સાથે અનુકૂલન કરી શકી ન હતી અને નાશ પામી હતી. ભારતને ભૌગોલિક, સાંસ્કૃતિક, સામાજિક અને વૈચારિક રીતે તોડવાના અનેક પ્રયાસો થઇ રહ્યા હોવા છતાં કોઇ તાકાત ભારતને ખતમ કરી શકી નથી.

તેમણે રાષ્ટ્રના શાશ્વતતાને જાળવી રાખવાનો શ્રેય ભારતીય સમાજની શક્તિ અને પ્રેરણાને આપતા કહ્યું હતું કે “આજનું ભારત એક ભવ્ય ભવિષ્યનો પાયો નાંખી રહ્યું છે”. ભારતની હજાર વર્ષ જૂની સફરમાં સમાજની શક્તિના યોગદાન પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ ઇતિહાસના દરેક સમયગાળામાં સમાજની અંદર રહેલી ઊર્જાની નોંધ લીધી અને તે ઉર્જા દરેક વ્યક્તિ માટે માર્ગદર્શક પ્રકાશનું કામ કરે છે તેવું જણાવ્યું હતું.

ભગવાન શ્રી દેવનારાયણે હંમેશા સેવા અને જન કલ્યાણને પ્રાધાન્યતા આપી હતી. પ્રધાનમંત્રીએ શ્રી દેવનારાયણની લોક કલ્યાણ પ્રત્યેની નિષ્ઠા અને માનવજાતની સેવા કરવાનું તેમણે પસંદ કર્યું તેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “ભગવાન દેવનારાયણે ચિંધેલો માર્ગ ‘સબકા સાથ’ દ્વારા ‘સબકા વિકાસ’નો છે અને આજે દેશ એ જ માર્ગે આગળ વધી રહ્યો છે.” છેલ્લાં 8-9 વર્ષથી દેશ વંચિત અને ઉપેક્ષિત એવા દરેક વર્ગને સશક્ત બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અમે ‘વંચિતોને અગ્રતા’ આપવાના મંત્ર સાથે આગળ વધી રહ્યા છીએ.