Site icon Revoi.in

વડાપ્રધાન કાર્યાલયના એડિશનલ ડિરેક્ટરની ઓળખ આપી Z+ સુરક્ષા સાથે ફરતો મહાઠગ ઝબ્બે

Social Share

અમદાવાદઃ પીએમઓના અદિકારી હોવાનો ડોળ કરીને સરકારી સુવિધા ભોગવતા એક ગુજરાતી ઠગને જમ્મુ-કાશ્મીર પોલીસે દબોચી લાધો હતો. કહેવાય છે. કે, પોતે કિરણ પટેલ નામની ઓળખ આપતો આ શખસ વાકછટામાં એટલો બધો માહેર છે, કે પોલીસના અધિકારીઓ પણ તેની વાતમાં આવી જાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ જમ્મુ-કાશ્મીરમાંથી પોલીસે એક એવા ઠગની ધરપકડ કરી છે, જે પોતાને પીએમઓનો અધિકારી હોવાનું જણાવી રહ્યો હતો. ગુજરાતનો રહેવાસી એવા આ શખ્સનું નામ કિરણ પટેલ છે. તે પોતાને પીએમઓનો એડિશનલ ડિરેક્ટર જણાવી રહ્યો હતો. એટલું જ નહીં આ ઠગને ઝેડ પ્લસ સિક્યોરિટી, બુલેટપ્રૂફ એસયુવીની સુવિધાઓ પણ મળી રહી હતી. તે હંમેશાં ફાઈવ સ્ટાર હોટલમાં જ રોકાતો હતો. પોલીસે શંકાના આધારે તપાસ કરી તો તે નકલી અધિકારી હોવાનું બહાર આવ્યું. તેની 10 દિવસ પહેલાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેને ગુપ્ત રાખવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસે ગુરુવારે ધરપકડનો ખુલાસો કર્યો હતો.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, પોલીસ તપાસમાં એવી હકિકત પણ જાણવા મળી છે. કે, ઠગએ પોતાના ટ્વિટર બાયોમાં લખ્યું હતુ કે તેણે પીએચડી કર્યું છે. જોકે, પોલીસ તેની ડિગ્રીની પણ તપાસ કરી રહી છે. કિરણ પટેલે જમ્મુ અને કાશ્મીરની પહેલી મુલાકાત ફેબ્રુઆરીમાં કરી હતી. આ દરમિયાન તેણે તમામ સરકારી સુવિધાઓનો લાભ લીધો હતો. ઠગે પોતાના ટ્વિટર હેન્ડલ પર જમ્મુ-કાશ્મીરના પ્રવાસ વિશેના અનેક વીડિયો પોસ્ટ કર્યા છે. તેની સાથે CRPF જવાન પણ જોવા મળી રહ્યા છે.

એક નેશનલ ચેનલમાં પ્રકાશિત થયેલા રિપોર્ટ મુજબ કિરણ પટેલે ગુજરાતમાંથી વધુ પ્રવાસીઓને લાવવાની બાબત પર કાશ્મીરમાં અધિકારીઓ સાથે બેઠકો પણ કરી હતી. તેણે દૂધપથરીને પર્યટન સ્થળ બનાવવા અંગે પણ ચર્ચા કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીર પોલીસને ગુપ્તચર એજન્સી દ્વારા ઠગ વિશે એલર્ટ કરવામાં આવી હતી. ત્યારપછી તેના પર ચાંપતી નજર રાખવામાં આવી હતી. જેવો તે ફરીથી જમ્મુ-કાશ્મીરની મુલાકાતે આવ્યો તો તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. કિરણ પટેલ પર આઈપીસીની કલમ 419, 420, 467, 468, 471 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.