Site icon Revoi.in

ઝારખંડના દેવધરમાં રાહુલ ગાંધી સામે જય શ્રીરામનો સૂત્રોચ્ચાર, મોદી-મોદીની પણ થઈ નારેબાજી

Social Share

નવી દિલ્હી: વાયનાડથી કોંગ્રેસના સાંસદ અને પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ઝારખંડમાં પ્રવેશ કરી ચુકી છે. રાહુલ ગાંધી શનિવારે દેવધર પહોંચ્યા છે. તેમણે બાબા બૈદ્યનાથ ધામમાં જઈને પૂજા અર્ચના કરી અને રુદ્રાભિષેક પણ કર્યો. જો કે મંદિર પરિરની બહાર નીકળતા સમયે હંગામો થયો હતો. તે વખતે રાહુલ ગાંધીની સામે જય શ્રીરામ અને મોદી-મોદીના સૂત્રોચ્ચાર થવા લાગ્યા હતા.

મણિપુરથી મુંબઈની યાત્રા પર નીકળેલા રાહુલ ગાંધી 21મા દિવસે ઝારખંડ પહોંચ્યા હતા. પશ્ચિમ બંગાળના માર્ગે ઝારખંડમાં દાખલ થયા બાદ રાજ્યના નવા મુખ્યમંત્રી ચંપઈ સોરેને યાત્રાનું સ્વાગત કર્યું. ઝારખંડમાં યાત્રા 8 દિવસમાં 13 જિલ્લાઓમાંથી પસાર થશે. રાહુલ ગાંધીએ દેવધરમાં બાબા બૈદ્યનાથ ધામમાં જઈને પૂજા અર્ચના કરી. ગુલાબી રંગની ધોતી અને માથે ત્રિપુંડ લગાવીને કોંગ્રેસના નેતા શિવભક્તિમાં લીન જોવા મળ્યા. તેમણે રુદ્રાભિષેક કર્યો. કોંગ્રેસના સત્તાવાર એક્સ હેન્ડલ પરથી તસવીરો શેયર કરીને લખવામાં આવ્યું કે આજે રાહુલ ગાંધીજીએ ઝારખંડના વિશ્વ પ્રસિદ્ધ બાબા બૈદ્યનાથ ધામમાં રુદ્રાભિષેક કરીને દેશની સુખશાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી.

મંદિર પરસરમાંથી નીકળતી વખતે કેટલાક લોકોએ તેમની સામે જય શ્રીરામ અને મોદી-મોદીના સૂત્રોચ્ચાર કર્યા. રાહુલ ગાંધી કડક સુરક્ષા વચ્ચે સ્મિત સાથે આગળ વધી ગયા. ભાજપ નેતાઓએ હંગામાનો વીડિયો શેયર કરતા કટાક્ષ કર્યો છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યુ છે કે રાહુલ ગાંધીજી યાત્રાનો આ વિરોધ કોંગ્રેસની મુસ્લિમ પરસ્ત નીતિઓનો છે. માનનીય વડાપ્રધાનજીના વિકાસનું સમર્થન છે. ગોડ્ડા લોકસભાના વિકાસ માટે સંથાલ પરગણાના એક-એક વ્યક્તિ મોદી છે.

રાહુલ ગાંધીની યાત્રાને લઈને મંદિરમાં ફૂલોની સજાવટ ને લઈને પણ ભાજપના સાંસદે સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યુ છે કે રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાના દિવસે ઝારખંડ સરકારે મંદિરને સજાવ્યું ન હતું. સાંસદે લખ્યુ છે કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાના વિરાજમાન સમયે આખા દેશમાં મંદિરો સજાવાયા. પરંતુ બાબા બૈદ્યનાથજીનું મંદિર દેવધર સજાવાયું નહીં. આજે મુસ્લિમ તુષ્ટિકરણના ધ્વજવાહક સાંસદ રાહુલ ગાંધીજી માટે મંદિર સજાવાયું છે. આ એ કોંગ્રેસ અને ઝારખંડ સરકાર છે. જાણકારી માટે આ મંદિરના ટ્રસ્ટના અધ્યક્ષ મુખ્યમંત્રી છે.