Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરઃ ટાર્ગેટ કિલિંગના બનાવો વધતા શ્રીનગરમાં ડ્રોનથી મોનિટરિંગ શરૂ કરાયું

Social Share

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ગણતરીના કલાકોમાં જ આતંકવાદીઓ દ્વારા બે નાગરિકોની હત્યા કરવામાં આવી હતી. જેમાં એક પોલીસ કર્મચારીનો પણ સમાવેશ થાય છે. ટાર્ગેટ કિલિંગના બનાવોને અટકાવવા માટે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ વધારાના 7500 જેટલા જવાનોને તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે. જેથી આ જવાનો આતંકવાદીઓ સામેના ઓપરેશનમાં મહત્વની ભૂમિકા ભજવશે. કેન્દ્ર સરકાર દ્વારા સીઆરપીએફની વધારાની પાંચ કંપની તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત શ્રીનગરમાં સીસીટીવી કેમેરા ઉપરાંત ડ્રોનની મદદથી સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

આતંકવાદીઓ દ્વારા સામાન્ય નાગરિકોને નિશાન બનાવીને આચરવામાં આવતા ટાર્ગેટ કિલિંગના બનાવોને અટકાવવા માટે કેન્દ્ર સરકારે એકશન પ્લાન તૈયાર કર્યો છે. ગૃહ વિભાગ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીએફની વધુ પાંચ કંપનીઓ મોકલવાનો નિર્ણય લેવાયો છે. આમ હવે રાજ્યમાં સુરક્ષાદળોની 55 જેટલી કંપનીઓ કાર્યરત છે. ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં બીએસએફની 25 અને સીઆરપીએફની 25 કંપની તૈનાત હતી. આ નિર્ણય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સુરક્ષાને લઈને કરવામાં આવ્યો હતો. અમિત શાહ ઓક્ટોબરના અંતિમ દિવસોમાં જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયા હતા. આર્ટીકલ 370 દૂર થયા બાદ અમિત શાહનો આ પ્રથમ પ્રવાસ હતો.

ઓક્ટોબર મહિનામાં આતંકવાદીઓએ ઘાટીમાં 15 નાગરિકોની હત્યા કરી હતી. જેમાં કેટલાક બિન કાશ્મીરી યુવાનોનો પણ સમાવેશ થાય છે. ટાર્ગેટ કિલિંગના બનાવો શ્રીનગરમાં વધારે બન્યા હોવાથી સીઆરપીએફના 7500 પૈકી મોટાભાગના જવાનોને શ્રીનગરમાં તૈનાત કરવામાં આવશે. પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ પણ વધારવામાં આવ્યું છે. આ ઉપરાંત સીસીટીવી અને ડ્રોનની મદદથી પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.