Site icon Revoi.in

જમ્મુ:આતંકીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ,ઘણા વિસ્તારમાં ઇન્ટરનેટ અને મોબાઈલ સેવા ઠપ્પ  

Social Share

શ્રીનગર: જમ્મુના સુંજવાનમાં શુક્રવારે સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓને ઘેરી લીધા હતા. આતંકીઓના ગોળીબારમાં એક જવાન શહીદ થયો હતો જ્યારે અન્ય ચાર ઘાયલ થયા હતા.હાલમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPF તરફથી કાર્યવાહી ચાલી રહી છે. તો આ સાથે જમ્મુના કેટલાક વિસ્તારોમાં ઇન્ટરનેટ અને મોબાઈલની સેવા ઠપ્પ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાંબા જિલ્લાના નિર્ધારિત પ્રવાસના બે દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સુંજવાનમાં એન્કાઉન્ટરની આ ઘટના બની છે.

જમ્મુના અધિક પોલીસ મહાનિર્દેશક મુકેશ સિંહે કહ્યું કે,જ્યારે પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને CRPFએ આ વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું ત્યારે એન્કાઉન્ટર શરૂ થયું.તેમણે કહ્યું કે,આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળનો એક જવાન શહીદ થયો હતો અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા.તેમણે કહ્યું કે હાલ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

શહીદ જવાન સીઆઈએસએફના એએસઆઈ એસપી પટેલ છે. ઘાયલોમાં કઠુઆના પોલીસ હેડ કોન્સ્ટેબલ બલરાજ સિંહ,અખનૂરના એસપીઓ સાહિલ શર્મા, ઓડિશાના CISFના પ્રમોદ પાત્રા અને આસામના અમીર સોરનનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 એપ્રિલે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પર અહીંથી 17 કિલોમીટર દૂર પાલી ગામમાં એક સભાને સંબોધિત કરવાના છે.ઓગસ્ટ 2019માં કલમ હટાવ્યા બાદ પીએમ મોદીની જમ્મુ-કાશ્મીરની આ પહેલી મુલાકાત હશે.અગાઉ, તેણે 27 ઓક્ટોબર 2019ના રોજ રાજૌરીમાં અને 3 નવેમ્બર 2021ના રોજ જમ્મુ વિભાગના નૌશેરા સેક્ટરમાં સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.