Site icon Revoi.in

રંગીલા રાજકોટમાં જન્માષ્ટ્રમીનો લોકમેળો 17મી ઓગસ્ટથી યોજાશે, કલેક્ટરે યોજી બેઠક

Social Share

રાજકોટઃ શ્રાવણ મહિનામાં સૌરાષ્ટ્રભરમાં ગામેગામ લોકમેળાઓ યોજાતા હોય છે. એમાં રંગાલા રાજકોટનો લોકમેળો પાંચ દિવસ યોજાતો હોય છે, અને લોકમેળાને માણવા માટે રોજ લાખોની મેદની ઉમટી પડતી હોય છે. આમ તો કોરોનાને લીધે રાજકોટના લોકમેળાને બે વર્ષથી મંજુરી આપવામાં આવી નહતી. હવે બે વર્ષ બાદ લોકમેળાને મંજુરી આપવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને લોકમેળા કારોબારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

રાજકોટમાં લોકમેળો યોજવા અંગે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેટક મળ્યા બાદ નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કરે જણાવ્યું હતું કે, સંભવિત તા.17થી 21 ઓગસ્ટ સુધી એટલે કે પાંચ દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવશે. જે અંગે નિવાસી કલેકટર દ્વારા લોકમેળા સંકલન સમિતિ, અમલીકરણ સમિતિ, ડ્રો તથા હરાજી સમિતિ, કાયદો વ્યવસ્થા, ટ્રાફિક પાર્કિગ નિયમન સમિતિ, ફાયર સેફટી અને સાંસ્કૃતિક અને ઉદ્ઘાટન કાર્યક્રમ સમિતિ સહિતની સમિતિઓની કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના પાટનગર સમા રંગીલા રાજકોટનાં નગરજનો  ઉત્સવ પ્રિય છે. અહીં તમામ તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેમાં કાઠીયાવાડની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતો જન્માષ્ટમીનો લોકમેળો એ અનોખી ભાત પાડે છે. સાતમ-આઠમના તહેવારમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો રાજકોટમાં યોજાય છે. દર વર્ષે રેસકોર્સના ગ્રાઉન્ડમાં યોજાતા આ મેળાનો પ્રારંભ રાંધણ છઠ્ઠના દિવસે કરવામાં આવે છે. અને દશમ સુધી એટલે કે પાંચ દિવસ સુધી લોકમેળો ચાલતો હોય છે. જેમાં રાઈડ્સ, રમકડા, આઇસ્ક્રિમ સહિતના વેપારીઓ સહિત 2 લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજીરોટી મળે છે. પાંચ દિવસ સુધી યોજાતા મેળામાં સૌરાષ્ટ્રભરમાંથી 10 લાખ લોકો મેળો માણવા આવતા હતા. (file photo)