Site icon Revoi.in

દાદરાનગર હવેલીમાં જેડીયુએ સત્તા ગુમાવી, 17 સભ્યોએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો

Social Share

મુંબઈઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ભાજપ સાથે છેડો ફાડીને આરજેડી સાથે મળીને ફરીથી સત્તા સંભાળી હતી. જો કે, હવે ભાજપાએ નીતિશ કુમારને મોટો ઝટકો આપ્યો છે. દાદરાનગર હવેલી જિલ્લા પંચાયતમાં ભાજપાએ આરજેડી પાસેથી સત્તા આંચકી છે. JDU અને ડેલકરના 17 જેટલા સભ્યોએ સામુહિક પક્ષપલ્ટો કર્યો હતો. તમામ સભ્યોએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. આમ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં જેડીયુ સત્તા વિહોણુ બન્યું હતું.

સુત્રોના જણાવ્યા અનુસાર દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતમાં મોહન ડેલકરના સમર્થકો અને JDUનું ગઠબંધન સત્તા પર હતું. દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતની કુલ 20 બેઠકોમાંથી 17 પર JDU અને ડેલકરના સમર્થકો હતા. જ્યારે 3 બેઠકો ભાજપ પાસે હતી. માત્ર 3 સભ્યો ધરાવતી ભાજપાએ હવે જિલ્લા પંચાયતમાં સત્તા મેળવી છે. ગઠબંધનના સભ્યોએ ભાજપમાં જોડાયાની કલેક્ટરને લેખિતમાં જાણ કરી હતી. આગામી સમયમાં પ્રદેશના રાજકારણમાં અનેક ચોંકાવનારા બદલાવ થાય તેવા એંધાણ છે.

બિહારમાં નીતીશકુમારે ભાજપ સાથેના છેડો ફાડી અને આરજેડી સાથે મળી સરકાર બનાવતા ભાજપ સત્તા વિહોણું થયું હતું. બીજી તરફ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાંથી જેડીયુનું અસ્તિત્વ જ ભાજપે ખતમ કરી દીધું છે. દાદરાનગર હવેલી જેડીયુના પ્રદેશ પ્રમુખ સહિત પ્રદેશ સંગઠનના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જેડીયુ છોડી અને ભાજપમાં બેસી જતા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના રાજકારણમાંથી જેડીયુનો એકડો નીકળી ગયો છે.