Site icon Revoi.in

સંસ્થાના સંકુલમાં કોઈ પ્રકારની હિંસાને સહન નહીં કરાયઃ JNU

Social Share

નવી દિલ્હીઃ અગાઉ અનેક વખત વિવાદમાં આવી ચુકેલી જેએનયુ એટલે કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. યુનિવર્સિટીમાં વામપંથી વિદ્યાર્થી સંગઠન અને હિન્દુ વિદ્યાર્થી સંગઠન એબીવીપી વચ્ચે મારામારી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. યુનિવર્સિટીના મેસમાં માંસાહારી ભોજનને લઈને વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. વામપંથી વિદ્યાર્થી સંગઠનોએ આક્ષેપ કર્યો છે કે, એબીવીપીના કાર્યકરો યુનિવર્સિટીની કાવેરી હોસ્ટેલના મેસમાં માંસાહારના ભોજનો વિરોધ કરે છે. બીજી તરફ એબીવીપીએ આક્ષેપ કર્યો હતો કે, વિદ્યાર્થીઓ રામનવમીની પુજા કરતા હતા તેને લઈને વામપંથી વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હતો. દરમિયાન જેએનયુએ કહ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થાના કેમ્પસમાં કોઈપણ પ્રકારની હિંસા સહન કરવામાં આવશે નહીં અને વિદ્યાર્થીઓએ શાંતિ અને સૌહાર્દને ખલેલ પહોંચાડતી કોઈપણ ઘટનામાં ભાગ લેવો જોઈએ નહીં.

વામપંથી વિદ્યાર્થી સંગઠન ઓલ ઈન્ડિયા સ્ટુડેંટ્સ એસોસિએશન (આઈસા) તરફથી ટ્વીટ કરીને દાવો કરવામાં આવ્યો હતો કે, એબીવીપીના કાર્યકરોએ કરેલા હુમલામાં અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયાં છે. બે જૂથ વચ્ચે અથડામણ બાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે પણ બંને જૂથની ફરિયાદ નોંધવાની દિશામાં કવાયત શરૂ કરી છે. એબીવીપીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, વામંપથી વિદ્યાર્થી સંગઠનોએ કરેલા હુમલામાં રવિ રાજ નામના વિદ્યાર્થીને ગંભીર ઈજા થઈ છે. એબીવીપીના કાર્યકર રોહિતે જણાવ્યું હતું કે, વામપંથી અને કોમ્યુનિસ્ટ વિચારધારા ધરાવતા વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓ ઉપર હુમલો કર્યો હતો.

જેએનયુ વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઈશી ઘોષએ ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે, એબીવીપીના વિદ્યાર્થીઓ જેએનયુમાં રહેતા વિદ્યાર્થીઓને માંસાહારી ભોજન કરતા રોકે છે. એબીવીપીએ હોસ્ટેલના મેસ સેકેટરી ઉપર પણ હુમલો કર્યો હતો. દરમિયાન એબીવીપીની વિદ્યાર્થિની દિવ્યાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ રામનવમીની રુજા કરી રહ્યાં હતા. જેથી વામપંથીઓએ તેમની ઉપર હુમલો કર્યો હતો. કાવેરી હોસ્ટેલમાં રામનવમીની પુજા કરાઈ હતી. વિદ્યાર્થિનીએ સવાલ કર્યો હતો કે, જેએનયુમાં રમઝાનમાં ઇફતાર થઈ શકે તો રામનવમીની પૂજા કેમ ના થઈ શકે.