Site icon Revoi.in

પત્રકારત્વ, સમાચાર, અખબાર અને પત્રકાર : થોડાં અર્થ, વ્યાખ્યા, સમજૂતી

Social Share

 

– ભવ્ય રાવલ (લેખકપત્રકાર)

પત્રકારત્વ એટલે જર્નાલિઝમ. જર્નાલિઝમ શબ્દ જર્નલ પરથી આવ્યો છે. જેનો શાબ્દિક અર્થ છે : દૈનિક – રોજનીશી. પ્રસિદ્ધ થતા સમાચારોના સંપાદન, લેખન અને તે સાથે સંકળાયેલા કાર્યોનો પત્રકારત્વની પરિધિમાં સમાવેશ કરી શકાય. 17મી અને 18મી સદીમાં પીરિયાડિકલ – નિયતકાલીનના સ્થાન પર લેટિન શબ્દ ડિયૂનરલ અને જર્નલ શબ્દોનો પ્રયોગ પ્રારંભ થયો હતો, ત્યારબાદ 20મી સદીમાં જર્નાલિઝમ શબ્દનો પ્રયોગ શરૂ થયો. અન્ય એક સંદર્ભ અનુસાર જર્નાલિઝમ શબ્દ ફ્રેન્ચ ભાષાના શબ્દ જર્ની પરથી ઉદ્દભવ્યો છે. હિન્દીની જેમ ગુજરાતીમાં પત્રકારત્વનો અર્થ આ રીતે કહી શકાય – પત્રથી પત્રકાર અને પછી પત્રકારત્વ. એટલે કે લેખન, સંપાદન, પ્રકાશન અને પ્રસારણ કે પ્રસ્તુતિકરણ દ્વારા થતી માહિતીની આપ-લે એટલે પત્રકારત્વ અથવા વૃત વિવેચન. જેવી રીતે જ્ઞાન પ્રત્યેની ઉત્કંઠા, મનન-ચિંતન અને અભિવ્યક્તિની આકાંક્ષાએ ચિત્રો, અક્ષરો તથા શબ્દોને જન્મ આપ્યો તેવી જ રીતે એ ચિત્રો, અક્ષરો તથા શબ્દોએ જોતજોતામાં પત્રકારત્વનું રૂપ ધારણ કર્યું. પત્રકારત્વ પ્રત્યાયન પણ છે, બંને એકબીજા સાથે જોડાયેલા છે. પત્રકારત્વનાં મૂળમાં માહિતી કે જાણકારીનું આદાન-પ્રદાન છે. પત્રકારત્વ પાંચ હજાર વર્ષથી પણ વધુ પુરાણું છે. આદિમાનવકાળ જેટલું ઐતિહાસિક છે. માનવ જીજ્ઞાસા અને રસની વૃત્તિ પાછળ પત્રકારત્વના ઉદ્દભવ અને વિકાસની કથા છે. પત્રકારત્વ પાંચમો વેદ છે. ઉતાવળે લખાતું સાહિત્ય છે. પત્રકારત્વ સંસ્કૃતિ, સભ્યતા અને સ્વતંત્રતાનો અગ્રદૂત છે. દીર્ઘદ્રષ્ટિ પ્રદાન કરનાર છે. એ કળા છે. એ જનસેવા છે. જનતા – જનપ્રતિનિધિ વચ્ચેનો સેતુ છે. પ્રજા અને પ્રશાસનને જોડતી કડી છે. પત્રકારત્વનો મૂળ ઉદ્દેશ્ય સૂચના, શિક્ષણ અને મનોરંજન છે. સત્યમ, શિવમ અને સુંદરમની અભિવ્યક્તિ છે. પત્રકારત્વનો અર્થ ચોક્ક્સ વ્યાખ્યામાં રજૂ કરવો અશક્ય છે. આજે પત્રકારત્વના માધ્યમો અખબાર અને પત્રિકાઓ પૂરતા સીમિત ન રહેતા રેડિયો, ટેલિવિઝન, વેબસાઈટ, સોશિયલ મીડિયા વગેરે સુધી વિસ્તરી ગયા છે. દુનિયાભરની માહિતી હોવા છતાં આજે પણ ઘણા એકબીજાને મળે એટલે પૂછે છે શું છે નવીનમાં? શું ખબર? છે કઈ સમાચાર?

સમાચાર એટલે ન્યૂઝ. અર્થાત એક અન્ય રીતે જોઈએ તો NEWS શબ્દોમાં N નોર્થ, E ઈસ્ટ, W વેસ્ટ, S સાઉથ. સમાચારનો મતલબ છે ચારેય દિશામાં બનતી ઘટનાઓની સૂચના. ચારેય દિશામાં થનારી ઘટનાઓ સમાચાર છે. આમ, સમાચાર એટલે સૂચનાઓ ભેગી કરવી, તેને યોગ્ય રીતે બનાવવી અને રજૂ કરવી. અંગ્રેજી શબ્દ ન્યૂઝમાં ન્યૂ બહુવચન સ્વરૂપે જોઈએ તો તેનો અર્થ નવું થાય છે. એ જ રીતે સમાચાર શબ્દમાં સમ અને આચાર શબ્દથી તેનો અર્થ સમજી શકાય. સમનો અર્થ સમાન અને આચારનો અર્થ આચરણ થાય, જે વ્યવહાર સાથે જોડાયેલું છે. એટલે કે પક્ષપાતરહિત – તટસ્થ આચરણ. સમાચારનું મુખ્ય લક્ષણ છે તે નવીનતાસભર અને ન્યાયપૂર્ણ હોવા જોઈએ. જેવી રીતે અખબારમાં છપાયેલી સંપૂર્ણ સામગ્રી સમાચાર નથી તેવી રીતે પ્રત્યેક ઘટના પણ સમાચાર નથી. જેમાં મહત્તમ લોકોની રસરુચી જોડાયેલી હોય એ જ ઘટના સમાચાર બને છે, જેના મૂળમાં સૂચના અને માહિતી છે. કોઈપણ માહિતી કે જાણકારીને સમાચાર ન કહી શકાય. સમાચારનું ચોક્કસ સ્વરૂપ હોય છે, સમાચારમાં છ તત્વોનો સમાવેશ અનિવાર્ય છે. શું, ક્યાં, કોણ, ક્યારે, કેમ, કેવી રીતે અંગ્રેજીમાં જેને ફાઈવ ડબ્લ્યુ અને વન એચ કહે છે. હુ, વ્હોટ, વ્હેન, વ્હાઈ, વ્હેર અને હાઉ. સમાજ જેટલો વધુ લોકતાંત્રિક તેટલી વધુ ખબરો. અને હા, આ ખબર શબ્દ પરથી અખબાર શબ્દ આવ્યો છે.

અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના શબ્દ ખબર શબ્દનું બહુવચન છે, ઈરાનની રાષ્ટ્રભાષા ફારસી છે અને ત્યાં અખબાર માટે ‘ખબર-નામ’ શબ્દ વપરાય છે. ખબર એટલે સમાચાર, બાતમી અથવા સંદેશો. પ્રચલિત અર્થમાં અખબાર એટલે છાપેલા સમાચાર અને તેનું પ્રકાશન. કાગળ પર સમાચાર છાપેલા હોવાથી તેને ગુજરાતીમાં છાપું કહેવાય છે. સમાચાર અથવા ખબરને વર્તમાન કહેવાય છે તેથી છાપેલા સમાચારને વર્તમાનપત્ર કહેવામાં આવે છે. તેમાં સમાચારો હોય છે એટલે તેને સમાચારપત્ર પણ કહેવાય છે, અંગ્રેજીમાં જેને ન્યૂઝપેપર કહે છે. અખબારોનું એક વર્ગીકરણ પ્રકાશનના સમયગાળા પ્રમાણે થાય છે. તેથી અખબારને સામયિક કહે છે. તે પ્રમાણે ચોવીસ કલાકમાં એક વખત પ્રગટ થતા અખબારને દૈનિક, અઠવાડિયામાં બે વખત પ્રગટ થનારને અર્ધસાપ્તાહિક કહેવામાં આવે છે. અને એ રીતે પછી સમયને અનુલક્ષીને સાપ્તાહિક, પાક્ષિક, માસિક, દ્વિમાસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક તથા વાર્ષિક એમ અખબારોનું વર્ગીકરણ પ્રકાશનના સમયગાળા મુજબ થાય છે. પહેલાના સમયમાં શિલાલેખો, ભૂર્જપત્રો, તાડપત્રો, પર લખાણો લખવાની પદ્ધતિ પ્રચલિત હતી, પછી કાપડ અને કાગળની શોધ થયા બાદ તેના પર લખાયું અને હવે તો ડિજીટલ ફોરમેટમાં પણ લખી શકાય છે. જોકે આ બધું જ લખનાર કે અખબારમાં બધા જ લખનાર પત્રકાર નથી.

પત્રકાર એટલે જર્નાલિસ્ટ. આ શબ્દ પત્રકારત્વ અને જર્નાલિઝમ પરથી જ આવ્યા છે. સત્યનો પહરી એટલે પત્રકાર એવું કહી શકાય. પત્રકાર એટલે સમાજનો પહેરેદાર. પત્રકાર એટલે ન્યાયને રક્ષક. શિક્ષકોનો પણ શિક્ષક, વકીલોનો પણ વકીલ અને ડોક્ટરોનો પણ ડોક્ટર. પત્રકારોને દ્વાપરયુગના નારદ અને મહાભારતકાળના સંજય તથા કળિયુગના આચાર્ય, ચારણ, બારોટ પણ કહેવાયા છે. વિદ્વાનોથી લઈ સામાન્ય વ્યક્તિઓએ પત્રકારની અલગઅલગ અર્થ, વ્યાખ્યા અને સમજૂતી ગોતી કાઢ્યા છે. સમાચારો મોકલનાર અને આપનાર સંવાદદાતા કહેવાય છે. ખબરપત્રી પણ કહેવાય છે. એક સમયે તેઓ વાક્ય નવીસ, ખૂફિયા નવીસ, ખેપિયા અને ગુપ્તચર પણ કહેવાતા. જે સમાચાર બનાવે છે, જે સમાચારના સંસ્થા સાથે સંલગ્ન છે અને એથી પણ આગળ હવે જેની પાસે પત્રકારત્વના શિક્ષણની ડિગ્રી છે, જે પત્રકારત્વનો વ્યવસાય કરે છે તે પત્રકાર છે એવું સીધી સરળ ભાષામાં કહી શકાય. લખી, બોલી, ફોટો પાડી કે ચિત્ર દોરી કે પછી હાવભાવ દ્વારા સૂચના એટલે કે સમાચારની આપ-લે કરનાર તંત્રી, સંપાદક, ફોટોગ્રાફર, કેમેરામેન, કાર્ટૂનિસ્ટ પણ પત્રકાર કહી શકાય. પ્રેસ સાથે જોડાયેલ પ્રેસમેન અને મીડિયા સાથે જોડાયેલ મીડિયામેન છે, જર્નાલિસ્ટ છે. એકલી અખબાર સાથે જોડાયેલી વ્યક્તિ જ પત્રકાર ન કહી શકાય. પ્રિન્ટ ઉપરાંત ડિજીટલ મીડિયા સાથે જોડાયેલી વ્યક્તિ પણ પત્રકાર છે. કોઈ ટીવીમાં ન્યૂઝ એન્કર છે કે કોઈ ન્યૂઝ વેબસાઈટ સાથે જોડાયેલું છે કે કોઈ રેડિયો-દૂરદર્શન અથવા ખાનગી ચેનલના સમાચાર વિભાગ સાથે સંકળાયેલું છે એ બધા જ પત્રકાર કહી શકાય. પત્રકારનો અર્થ અને વ્યાખ્યા બહુ વ્યાપક છે, બહુ આયામી છે. તેને સારાંશમાં કહી ન શકાય કે સુંકુચિતતાથી જોઈ ન શકાય. પત્રકારએ પત્રકારત્વનો આત્મા છે, સમાચારના આંખ, મોઢું અને નાક પત્રકાર છે. સમાચાર જેમાં પ્રસિદ્ધ-પ્રસ્તુત થાય છે એ પ્રિન્ટ-ઈલેક્ટ્રોનિક મીડિયા સમાજનું દર્પણ છે. અને પત્રકારત્વ શું છે? પત્રકારત્વ ચોથી જાગીર છે.

વધારો : પત્રકારત્વને ચોથી જાગીર પણ કહેવામાં આવે છે. અંગ્રેજી શબ્દ ફોર્થ એસ્ટેટ બહુ જૂનો અને જાણીતો છે. બ્રિટિશ સંસદમાં એકવાર કોઈ મહત્વના મુદ્દાની ચર્ચા દરમિયાન એડમન્ડ બર્કનું ધ્યાન એકાએક પ્રેસ ગેલેરીમાં બેઠેલા પત્રકાર પર પડ્યું. એ એમની સામે જોઈ બોલી ઉઠ્યા, સંસદમાં આપણી પાસે ત્રણ જાગીર છે, પણ ત્યાં સામે ચોથી જાગીર બેઠેલી છે જે આ ત્રણેય જાગીરથી વધુ મહત્વની છે. અને બસ પછી તો પત્રકારત્વ ચોથી જાગીર તરીકે ઓળખાવવા લાગ્યું. લોકશાહીના આધારસ્તંભો પૈકીના એક આધારસ્તંભ તરીકે તેની ગણના થવા લાગી. સંસદ, કારોબારી અને ન્યાયતંત્ર લોકશાહીની પ્રથમ ત્રણ જાગીર છે તો પત્રકારત્વ ચોથી જાગીર છે.

પરિચય : ભવ્ય રાવલ

ભવ્ય રાવલ ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્ય સાથે છેલ્લા દસ વર્ષથી જોડાયેલા છે. મેઈન સ્ટ્રીમ પત્રકારત્વ સાથે જોડાયેલા ન હોવા છતાં દરરોજ હજારો વાંચકો ભવ્ય રાવલના લખાણ વાંચે છે એ પણ ઓનલાઈન!

યુવા સર્જક ભવ્ય રાવલ કેટલાંક અખબાર અને સામાયિકમાં કોલમ/મંતવ્યો પણ લખી ચૂક્યા છે. ભવ્ય રાવલે બે નવલકથાઓ ‘…અને’ ઑફ ધી રેકર્ડ અને ‘અન્યમનસ્કતા’ તથા ‘વૈજ્ઞાનિક સિદ્ધાંતો’ એમ કુલ ત્રણ પુસ્તકો લખ્યા છે.

એક પત્રકાર તરીકે ભવ્ય રાવલે અનેક લોકોના ઈન્ટરવ્યૂ લીધેલાં છે તેમજ પત્રકારત્વનાં અભ્યાસ દરમિયાન ઘણા વિષયો પર સંશોધન કરેલું છે. તેઓએ સૌરાષ્ટ્રની યુનિવર્સિટીમાં પ્રત્યાયન અને પત્રકારત્વમાં એમ.ફિલ (માસ્ટર ઈન ફિલસૂફી) અભ્યાસક્રમ કર્યો છે.

Email : ravalbhavya7@gmail.com