Site icon Revoi.in

જુનાગઢના મહાશિવરાત્રીના મેળામાં બે લાખ ભાવિકો ઉમટી પડ્યા, આજે મૃગીકુંડમાં શાહી સ્નાન

Social Share

જૂનાગઢ: ભવનાથની તળેટીમાં શિવરાત્રીના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. બે લાખથી વધુ લોકો મેળાને માણી રહ્યા છે. ઠેર ઠેર સાધુ-સંતોની રાવટીઓ, ધૂણીઓ ધખાવેલી જોવા મળી રહી છે. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં ભાવિકો પુણ્યનું ભાથું ભરવા ભવનાથ ક્ષેત્રમાં ઊમટી પડ્યા છે આજે શિવરાત્રીના દિને સાધુ-સંતો મૃગીકુંડમાં શાહી સ્નાન પણ કરશે.

જીવમાં શિવ મળી જવાની અનુભૂતિ એટલે મહાશિવરાત્રી. ભવનાથ મેળાનો 5મી માર્ચથી પ્રારંભ થયો છે. ગુરૂવારે પણ ભવનાથના મેળામાં ભારે ભીડ જામી હતી. અને બે લાખથી વધુ લોકોએ મેળાની મજા માણી હતી. રાત્રિના સમયે ભવનાથ વિસ્તારમાં આબાલ, વૃદ્ધ સૌ કોઈની ભારે ભીડ જામી હતી. ભવનાથ વિસ્તારમાં મેળાનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર સાધુ સંતો, નાગા બાવાઓ, બાળકો માટે રમતના સાધનો સહીતની જગ્યાએ ભારે ભીડ જોવા મળી હતી. ઠેર ઠેર સાધુઓને ધૂણીઓ ધખાવી હતી. હર હર મહાદેવના નાદ સાથે જ અહીં દરેક પ્રદેશમાંથી આવેલા સાધુ સંતોએ શ્રદ્ધાની ધૂણી ધખાવી હતી. સાધુ સંતો આસ્થાભેર મહાદેવજીના પૂજનમાં લીન જોવા મળ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણના સમયથી આ મહાશિવરાત્રીનો મેળો ચાલતો હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે. ધુણો તે અગ્નિનું પ્રતીક છે, જેમાં 24 કલાક અગ્નિદેવ બિરાજમાન હોય છે, તે પ્રત્યક્ષ દેવતા છે. આ ધુણાની પૂજા કરવા માટે દરેક સંપ્રદાય અને દરેક સંતો હંમેશા આગળ હોય છે.

શિવરાત્રીના મેળાને લીધે શહેરના ભરડા વાવથી ભવનાથ પહોંચવા માટે લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા. લોકો પોતાના પ્રાઈવેટ વાહનો લઈ મેળામાં જવા ઈચ્છતા હતા. પરંતુ પોલીસ દ્વારા તેમને રોકી ચાલીને મેળામાં જવા માટે સૂચના આપવામાં આવી હતી. ભરડા વાવથી તમામ પ્રકારનાં પ્રાઇવેટ વાહનોને રોકી દેવામાં આવ્યાં હતાં. ચોટીલા આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ દ્વારા અહી ભાવિકો માટે ભોજન પ્રસાદીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આપાગીગાનો ઓટલો લાલસ્વામીની જગ્યામાં ભગીરથવાડીની સામે, ભવનાથ ખાતે આવેલો છે. અહી સતત સાત વર્ષથી સેવાના ભાવ સાથે નિ:શુલ્ક જાહેર અન્નક્ષેત્રનું આયોજન કરવામાં આવે છે. કડિયા સમાજના હજારો સ્વયં સેવકો અંહી રાત દિવસ જોયા વગર સેવા કાર્યમાં ખડેપગે ઊભા રહે છે.