Site icon Revoi.in

કર્ણાટકઃ બજરંગ દળ અને હિજાબ વિવાદ વચ્ચે હવે સ્થાનિક રાજકારણમાં પાકિસ્તાનની એન્ટ્રી

Social Share

બેંગ્લોરઃ કર્ણાટકમાં કોંગ્રેસના શાસન બાદ બજરંગ દળ ઉપર પ્રતિબંધ ફરમાવવાની સાથે હિજાબ ઉપરનો પ્રતિબંધ દૂર કરવાની કવાયતની કોંગ્રેસે સંકેત આપતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. તેમજ કોંગ્રેસ અને ભાજપ દ્વારા આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ શરૂ કરી છે. આ વિવાદ વચ્ચે કર્ણાટકના રાજકારણમાં પાકિસ્તાનની એન્ટ્રી થઈ છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ પાકિસ્તાન જીંદાબાદના નારા લાગ્યાં હોવાના આક્ષેપ સાથે ભાજપાએ કોંગ્રેસને ઘેરવાના પ્રયાસ કરાઈ રહ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કર્ણાટકમાં આરએસએસ અને બજરંગ દળ ઉપર પ્રતિબંધના કોંગ્રેસે સંકેત આપ્યાં છે. એટલું જ નહીં ગત ભાજપા સરકારે ગૌહત્યા અને હિજાબ ઉપર પ્રતિબંધ સહિતના કેટલાક કાયદાઓ પરત ખેંચવાની કવાયત તેજ કરાયાનું ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર કર્ણાટક કોંગ્રેસના નેતા પ્રિયાંક ખડગેએ જણાવ્યું હતું કે, ભાજપાના કાયદા બનાવવામાં આવેલા એવા કાયદા કે જે અમારા વિકાસને નુકશાન પહોંચશે તે અંગે રિવ્યુ કરવામાં આવશે. કર્ણાટકની કોંગ્રેસ સરકારની આ કવાયતને પગલે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. તેમજ ભાજપ દ્વારા કોંગ્રેસ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં છે.

ભાજપના સિનિયર નેતા રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, અગાઉ પણ આરએસએસ ઉપર અનેક વ્યક્તિઓએ પ્રતિબંધ ફરમાવવાની વાત કરી છે અને તેઓ ઉંઘા મોઢે પડ્યાં છે. તેમજ કોંગ્રેસના સિનિયર નેતા સોનિયા ગાંધીને અણિયારો સવાલ કર્યો હતો કે, શું તેઓ પણ આરએસએસ ઉપર પ્રતિબંધ ફરમાવવા માંગે છે. આ ઉપરાંત ભાજપના અન્ય સિનિયર નેતા ગીરિરાજ સિંહે જણાવ્યું હતું કે, અહંકારમાં કોઈ પણ કંઈ પણ કહી શકે છે. તેમજ કર્ણાટકમાં કોંગ્રેસની જીતમા પાકિસ્તાન જીંદાબાદના નારા લાગે છે એટલે કર્ણાટક કઈ દિશામાં આગળ વધી રહ્યું છે, તે સમજવું જરુરી છે.

કર્ણાટકમાં કોંગ્રેસ સરકારમાં કેબિનેટ વિસ્તરણ અને નેતાઓને સમાવવા માટે ફરી એકવાર આંતરીક તકરાર જોવા મળી રહી છે. સીએમ સિદ્ધારમૈયા તથા નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર વચ્ચે કેબિનેટ વિસ્તરણ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આમ કોંગ્રેસમાં આંતરીક ખેંચતાણ વચ્ચે કર્ણાટકના રાજકારણમાં પાકિસ્તાનની એન્ટ્રી થઈ છે.