Site icon Revoi.in

કાશીની જ્ઞાનવાપી અને મથુરાની શાહી ઈદગાહ પણ હિંદુઓને સોંપે મુસ્લિમો: બાબરીના ખોદકામનું સત્ય જણાવનારા કે.કે. મોહમ્મદની લાગણી

Social Share

નવી દિલ્હી: અયોધ્યાના વિવાદીત સ્થાનનું પહેલા અને બીજા ખોદકામ દરમિયાન એએસઆઈના અધિકારી રહેલા કે. કે. મોહમ્મદે કહ્યુ છે કે મુસ્લિમોએ જ્ઞાનવાપી અને મથુરાની શાહી ઈદગાર હિંદુઓને સોંપવી જોઈએ.

ન્યૂઝ એજન્સી આઈએએનએસને આપેલા ઈન્ટરવ્યૂમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના નોર્થ ઝોનના રીઝનલ ડાયરેક્ટર રહેલા કે. કે. મહોમ્દે કહ્યુ છે કે વિવાદનું એકમાત્ર સમાધાન આ સ્થાનોની હિંદુઓને સોંપણી જ છે. તેને લઈને તમામ ધર્મગુરુઓને એકત્રિત કરવા જોઈએ. કે. કે. મોહમ્મદે કહ્યુ છે કે ભગવાન રામ, ભગવાન શિવ અને ભગવાન શ્રીકૃષ્ણ સાથે હિંદુઓની ભાવના જોડાયેલી છે. ત્યારે મુસ્લિમોની કોઈ ભાવના ત્યાં જોડાયેલી નથી. મુસ્લિમોની ભાવના મક્કા અને મદીના સાથે જોડાયેલી છે.

અયોધ્યામાં પહેલીવાર થયેલા ખોદકામ દરમિયાન ત્યાંથી 12 સ્તંભો મળ્યા હતા. તેમાથી ઘણાં સ્તંભો પર હિંદુ નિશાન બનેલા હતા. આ દરમિયાન કેકે. મોહમ્મદ બીબી લાલની ટીમમાં ટ્રેની તરીકે કામ કરી રહ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે બીબી લાલ ચાહતા ન હતા કે આ વાતો સામે આવે અને કોઈ વિવાદ પેદા થાય. માટે તેનું પ્રકાશન કરવા ઈચ્છતા ન હતા. પરંતુ બાદમાં કમ્યુનિસ્ટ ઈતિહાસકારોએ કહ્યુ કે ખોદકામમાં કંઈપણ મળ્યું નથી. તેના પછી પ્રોફેસર બીબી લાલને જવાબ આપવો પડયો અને તેમને પ્રેસ કોન્ફરન્સ કરીને સત્ય જણાવવું પડયું હતું.

કે. કે. મોહમ્મદે કહ્યુ છે કે 1992માં જ્યારે બાબરી મસ્જિદના ઢાંચાને પાડવામાં આવ્યો, તો એ સાંભળીને હું આશ્ચર્યમાં મૂકાયો હતો. તેમણે કહ્યુ કે એક પુરાતત્વવેત્તા તરીકે હું ક્યારેય કોઈપણ સંરચનાને નષ્ટ કરવાનું સમર્થન કરી શકું નહીં. તેમણે કહ્યુ કે આ વાતની ખુશી છે કે ખોદકામ બાદ જે નિષ્કર્ષ આપવામાં આવ્યો, તેના પરિણામ સ્વરૂપ રામમંદિર બની ગયું છે અને ભગવાન રામ વિરાજમાન થઈ રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે કે. કે. મોહમ્મદે 22 જાન્યુઆરીના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવાનું નિમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે તેઓ આ સમારંભમાં સામેલ થયા ન હતા. તેમણે કહ્યુ હતુ કે બીમારીને કારણે તેઓ ફીટ નથી. તેમણે કહ્યુ હતુ કે આજે પણ ઘણીવાર તેમને ધમકીઓનો સામનો કરવો પડે છે. તેઓ કેરળના કોઝિકોડમાં રહે છે. તેમણે કહ્યુ કે જ્યારથી તેમણે વિવાદીત સ્થાનના ખોદકામમાં મળેલા પરિણામો સંદર્ભે જણાવ્યું હતું, ત્યારથી જ તેમને મધકીઓ મળવા લાગી.