ઋષિકેશ, 30 જાન્યુઆરી 2026: આગામી કેદારનાથ યાત્રાને લઈને વહીવટી તંત્ર આ વખતે અત્યંત કડક માર્ગદર્શિકા લાવવાની તૈયારી કરી રહ્યું છે. પ્રસ્તાવિત વ્યવસ્થા મુજબ, કેદારનાથ ધામના મંદિર પરિસરમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવી શકે છે. એટલું જ નહીં, જો કોઈ શ્રદ્ધાળુ નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાશે, તો તેની પાસેથી ભારે દંડ વસૂલવાની પણ શક્યતા છે.
જિલ્લા વહીવટી તંત્ર આ નવી યોજનાને અમલમાં મૂકવા માટે બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ ના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. ભક્તોની સુવિધા માટે મંદિરની બહાર મોબાઈલ જમા કરાવવા માટેના કાઉન્ટર બનાવવાની વિચારણા ચાલી રહી છે, જેની જવાબદારી મંદિર સમિતિને સોંપવામાં આવી શકે છે.
છેલ્લા કેટલાક વર્ષોથી એવું જોવા મળ્યું છે કે કેદારનાથમાં દર્શન દરમિયાન શ્રદ્ધાળુઓ મોબાઈલ અને સોશિયલ મીડિયાના ઉપયોગમાં એટલા વ્યસ્ત રહે છે કે તેનાથી ધામની મર્યાદા અને શ્રદ્ધાના ભાવને ઠેસ પહોંચે છે. તીર્થ પુરોહિતો, પંડા સમાજ અને મંદિર સમિતિ વચ્ચે આ મુદ્દે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. ગત યાત્રામાં પણ આ મુદ્દો ઉછળ્યો હતો. તાજેતરમાં ઋષિકેશમાં મળેલી ચારધામ યાત્રાની મહત્વની બેઠકમાં તમામ ધામોમાં મોબાઈલ બેન કરવા પર ગંભીર વિચારણા કરવામાં આવી હતી.
આ અંગે રુદ્રપ્રયાગના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) પ્રતીક જૈને જણાવ્યું હતું કે, “કેદારનાથ ક્ષેત્રમાં મોબાઈલ પ્રતિબંધ અંગે BKTC સાથે વાતચીત ચાલી રહી છે. મંદિર પરિસરની આસપાસ ચેતવણીના બોર્ડ લગાવવા, મોબાઈલ જમા કરાવવા માટેના વિકલ્પો અને નિયમ તોડનારાઓ પર દંડ લાદવા જેવા મુદ્દાઓ પર અંતિમ નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે.” આ નિર્ણયનો મુખ્ય હેતુ કેદારનાથ ધામમાં આવતા ભક્તો શાંતિ અને પૂરી શ્રદ્ધા સાથે બાબા કેદારના દર્શન કરી શકે અને ધામની આધ્યાત્મિક ગરિમા જળવાઈ રહે તેવો છે.
આ પણ વાંચોઃ શાળામાં છોકરીઓ માટે અલગ શૌચાલય અને સેનિટરી પેડ ફરજિયાતઃ સુપ્રીમ કોર્ટ

