Site icon Revoi.in

દિલ્હી પોલીસી કેસમાં કેજરિવાલને જેલમાં મોકલાયાં, તપાસમાં સહયોગ ના આપતા હોવાનો EDનો આરોપ

Social Share

નવી દિલ્હીઃ દિલ્હી લીકર પોલીસી કેસમાં રિમાન્ડ પુરા થતા ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રીને પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજુ કર્યાં હતા. અદાલતે કેજરિવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યાં હતા. દરમિયાન કોર્ટમાં ઈડીએ કેજરિવાલ ઉપર આક્ષેપ કર્યો હતો કે, તેઓ કેસની તપાસમાં સહયોગ આપી રહ્યાં નથી.

દિલ્હી લીકર પોલીસી કેસમાં ઈડીએ આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલને રાઉજ એવન્યુ કોર્ટમાં રજુ કર્યું હતું. જ્યાં હવે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવા નિર્દેશ કર્યો હતો. કોર્ટે કેજરિવાલને 15મી એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. ઈડીએ કોર્ટમાં જ્યુડિશિયલ કસ્ટડીની માંગણી કરી હતી. કોર્ટમાં કેજરિવાલને રજુ કર્યાં ત્યારે તેમના પત્ની સુનીતા, આપના નેતા સૌરભ ભારદ્વાજ, આતિશી. ગોપાલ રાય સહિત કેટલાક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

ગત 28મી માર્ચના રોજ કોર્ટે કેજરિવાલને રાહત આપવાનો ઈન્કાર કરી ઈડીને 1 એપ્રિલ સુધી રિમાન્ડ આપ્યાં હતા. ઈડીએ આ કેસમાં ગત 21મી માર્ચના રોજ ધરપકડ કરી હતી. કોર્ટે ઈડીને સ્ટેટસ રિપોર્ટ રજુ કરવા માટે નિર્દેશ કર્યો હતો. ઈડીના વકીલે રજૂલાત કરી હતી કે, કેજરિવાલ તપાસમાં સહયોગ આપી રહ્યાં નથી. તેઓ સવાલોના સીધા જવાબ નથી આપી રહ્યાં છે.

લીકર પોલીસીની તપાસમાં ઈડીએ તપાસને વધારે વેગવંતી બનાવીને તાજેતરમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલની ધરપકડ કરી હતી. કેજરિવાલની ધરપકડને પગલે દેશનું રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી સહિતની વિપક્ષી પાર્ટીઓએ ધરપકડ મામલે કેન્દ્ર સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યાં હતા.