નવી દિલ્હી, 27 ડિસેમ્બર 2025 : શનિવારે નવી દિલ્હીમાં કોંગ્રેસ કાર્યસમિતિ (CWC)ની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. ખડગેએ જણાવ્યું હતું કે, દેશ અત્યારે લોકતંત્ર, બંધારણ અને નાગરિક અધિકારોના મુદ્દે ચારેબાજુથી ગંભીર સંકટમાં ઘેરાયેલો છે. ખાસ કરીને મનરેગા કાયદો નાબૂદ કરી નવો કાયદો લાવવાના સરકારના નિર્ણયને તેમણે ગરીબો પરનો હુમલો ગણાવ્યો હતો.
ખડગેએ મનરેગાની જગ્યાએ લાવવામાં આવેલા નવા કાયદા ‘VB-GRAM JI Act’ (વિકાસશીલ ભારત-ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન) અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, મનરેગાને ખતમ કરવી એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન છે. આ યોજનાએ ગ્રામીણ ભારતનો ચહેરો બદલી નાખ્યો હતો અને લાખો લોકોને ભૂખમરા અને શોષણથી મુક્તિ અપાવી હતી. કોંગ્રેસ આ નવા કાયદા વિરુદ્ધ દેશવ્યાપી આંદોલન અને જન અભિયાન છેડશે.
મતદાર યાદીના પુનરીક્ષણ (SIR) અંગે ચિંતા વ્યક્ત કરતા ખડગેએ આરોપ લગાવ્યો હતો કે, “ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગતથી દલિતો, આદિવાસીઓ, અતિ પછાત અને લઘુમતી વર્ગોના નામ મતદાર યાદીમાંથી કાપવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.” તેમણે આને લોકતાંત્રિક અધિકારોને મર્યાદિત કરવાની સોચી-સમજી સાજીશ ગણાવી હતી.
આ પણ વાંચોઃ રાજ્યસભા સંગ્રામ 2026: દેશના 19 રાજ્યોની 73 બેઠકો ખાલી થશે
બેઠકમાં અન્ય મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓ પર થયેલા હુમલા અંગે કોંગ્રેસે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ નાતાલ (ક્રિસમસ) દરમિયાન કેટલાક વિસ્તારોમાં સૌહાર્દ બગાડવાના પ્રયાસોની ટીકા કરવામાં આવી હતી. આ ઉપરાંત આવતા વર્ષે અસમ, કેરળ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને પુડુચેરીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ માટેની રણનીતિ ઘડવામાં આવી હતી.
આ બેઠકમાં કોંગ્રેસ શાસિત રાજ્યો તેલંગાણા, કર્ણાટક અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓ સહિત વિવિધ પ્રદેશ સમિતિઓના પ્રમુખો હાજર રહ્યા હતા. કોંગ્રેસે સંકેત આપ્યો છે કે આગામી દિવસોમાં મોંઘવારી, બેરોજગારી અને મનરેગાના મુદ્દે સરકારને ઘેરવા માટે શેરીઓ પર ઉતરશે.
આ પણ વાંચોઃ મેક્સિકોના સૌથી ઊંચા શિખર પર ત્રિરંગો ફરકાવનાર હરિયાણાના નરેન્દ્ર કુમારે નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો

