Site icon Revoi.in

હાર્દિક પટેલની ભાજપમાં જોડાવવાની અટકળો વચ્ચે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ દિલ્હી પહોંચ્યા

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત-આઠ મહિના જેટલો સમય બાકી હોવાથી તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક વખતના પાટિદાર અનામત આંદોલન સમિતિના (પાસ)ના નેતા એવા હાર્દિક પટેલને હવે કોંગ્રેસની દ્રાક્ષ ખાટી લાગી રહી છે. અને ભાજપ તરફનો પ્રેમ ઊભરાઈ રહ્યો છે. ત્યારે હાર્દિક પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે, તેવી અટકળો ચાલી રહી છે. જ્યારે બીજીબાજુ ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું કોંગ્રેસમાં જોડાવવાનું લગભગ નક્કી હોવાનું કહેવાય છે. એવું કહેવાય છે. કે, ગુજરાતના રાજકારણમાં વિવિધ ઉથલપાથલની શરૂઆત થઈ ગઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  કાગવડ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અચાનક દિલ્હી પહોંચ્યા છે. તેઓ આજે કોંગ્રેસના અગ્રણી નેતાઓ સાથે મહત્ત્વપૂર્ણ બેઠક કરવાના છે. આ ઉપરાંત પ્રશાંત કિશોર અંગે કોંગ્રેસના નેતાઓમાં દુવિધા પ્રવર્તતી હોવા છતાં તેઓ કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે. ગુજરાતમાં ડિસેમ્બર મહિના સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આ વર્ષે ચૂંટણી વહેલી યોજાઈ શકે છે. હાલમાં જ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. આ વચ્ચે હાલ પ્રશાંત કિશોરની ટીમે થોડા દિવસો પહેલાં જ ગુજરાતમાં ધામા નાખ્યાં હતા. પ્રશાંત કિશોરની ટીમ એપ્રિલના પહેલા અઠવાડિયાથી ગુજરાતમાં પહોંચી હતી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે પ્રશાંત કિશોરે  મુલાકાત કરી હતી. ત્યાર બાદ તેઓ કોંગ્રેસમાં જોડાય રહ્યા છે એવી શક્યતાએ જોર પકડ્યું હતું. આ ઉપરાંત એવી પણ વાત સામે આવી છે કે પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં કોઈ મોટું પદ આપવામાં આવી શકે છે. પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસની સ્થિતિ દયનીય થઈ ગઈ છે.  2024ની લોકસભા ચૂંટણીમાં PM મોદીને ઘેરવા સ્થાનિક પક્ષોની સાથે પ્રશાંત કિશોર એક ચક્રવ્યૂહ બનાવવામાં પણ વ્યસ્ત છે.

ગુજરાતમાં કોંગ્રેસે એક બાદ એક કારમો પરાજય મેળવ્યા બાદ 2022ની ચૂંટણી માટે સંગઠનમાં પરિવર્તન કરવું આવશ્યક બની ગયું છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ દ્વારા બેઠકનો દોર શરૂ કરાયો હતો, ગયા વર્ષે ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે દિલ્હીમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ બેઠક કરી હતી, ભરતસિંહ અને પ્રશાંત કિશોર વચ્ચે અંદાજે 2 કલાક સુધી આ બેઠક ચાલી હતી, જેમાં રાજ્યમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભા 2022ની ચૂંટણીની સાથે નવા સંગઠનની રચનાને લઇને કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે, જેને લઈ કોંગ્રેસ ધારાસભ્યો અને સિનિયર નેતાઓની ગાંધીનગર ખાતે મહત્ત્વની બેઠક મળી હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાય એવી શક્યતા પ્રબળ બની છે. તેઓ મે મહિના પહેલાં ઔપચારિક રીતે કોંગ્રેસમાં જોડાય એવી શક્યતા છે. થોડા દિવસ પહેલાં જ તેઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને મળ્યા હતા. એટલું જ નહીં, ગુજરાતમાં સત્તાવિહોણી સતત પરાજયનો સામનો કરી રહેલા કૉંગ્રેસ પક્ષને ફરી બેઠો કરી 2022ની વિધાનસભા ચૂંટણીમાં દોડતો કરવા માટે આગામી દિવસોમાં ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોરને મોટી જવાબદારી સોંપાય એવી શક્યતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રશાંત કિશારે ગુજરાત વિધાનસભા 2012 ગુજરાત ચૂંટણીમાં મોદી માટે કામ કર્યું હતું. જ્યારથી તેમણે 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ચૂંટણી અભિયાનની જવાબદારી સંભાળી ત્યારથી તેઓ લાઈમ લાઈટમાં આવ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપે પ્રથમવાર એકલા હાથે પૂર્ણ બહુમતી પ્રાપ્ત કરી હતી. ભાજપનો 282 બેઠક પર વિજય થયો હતો. (file photo)

 

Exit mobile version