Site icon Revoi.in

ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે સમાન વીજ દરની માગ નહીં સંતોષાય તો 4થી જુલાઈથી કિસાન સંઘ આંદોલન કરશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને 6 મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે રાજ્યમાં કર્મચારીઓના વિવિધ સંગઠનોથી લઈને ખેડુતો પણ પોતાની માગ મનાવવા માટે આંદોલન કરી રહ્યા છે. ત્યારે હવે કિસાન સંઘે પણ કૃષિ વીજદર સમાન હોવા જોઈએ તેવી માગ કરી છે. કિસાન સંઘ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કેટલાક સમયથી કૃષિ ક્ષેત્રે સમાન વીજ દર માટે ચલાવાતા આંદોલન છતાં કોઇ પ્રતિસાદ ન મળતા આગામી દિવસોમાં આક્રમક કાર્યક્રમ આપવાનું એલાન કરાયું છે. 4થી જુલાઇએ જિલ્લા કક્ષાએ ધરણાંના કાર્યક્રમ યોજાશે. આ મુદ્દે જે પરિસ્થિતિનું નિર્માણ થશે તેની જવાબદારી સરકારની રહેશે તેમ જણાવાયું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત  વિધાનસભાની ચૂંટણીને હવે 6 મહિના જેટલો સમય બાકી હ્યો છે, ત્યારે કિસાન સંઘ દ્વારા પડતર માગણી ઉકેલવા આંદોલન શરૂ કરાયું છે. કિસાન સંઘ દ્વારા મીટર આધારીત અને હોર્સ પાવર આધારીત સમાન વીજ દરની માગણી કરાઇ છે. જેમાં મીટર આધારીત બોરવેલનું વીજ બિલ દર બે મહિને ભરવા અને ફિક્સ ચાર્જમાં રાહત આપવા પણ રજૂઆત કરાઇ છે. તે સાથે એવી પણ માગણીઓ કરાઇ છે કે, સ્વૈચ્છિક લોડ વધારાની સ્કીમ લાવવા તેમજ બોરવેલ પર જો વીજ મીટર બળી જાય તો તેની જવાબદારી વીજ કંપનીની રહેશે. કિસાન સૂર્યોદય યોજના-દિવસે વીજળીનો તત્કાલ સમગ્ર ગુજરાતમાં અમલ કરવા પણ રજૂઆત કરાઇ છે.

પ્રદેશ મહામંત્રી રમેશ પટેલ દ્વારા જણાવાયું હતું કે સરકારનું વારંવાર ધ્યાન દોરવા છતા આંખ ઉઘડતી નહીં હોવાથી જિલ્લામાં ધરણાંના કાર્યક્રમ પછી ગામડામાં પણ આશ્વર્યજનક કાર્યક્રમો અપાશે. આંદોલનનું આયોજન કરવા પ્રદેશ કારોબારી અને 25 જિલ્લાના પ્રમુખોની બેઠક યોજાઇ હતી. જેમાં અગ્રણીઓ બી. કે. પટેલ, અંબુભાઇ પટેલ, વિઠ્ઠલ દુધાત્રા હાજર રહ્યા હતા.