Site icon Revoi.in

24 માર્ચ વિશ્વ ક્ષય રોગ દિવસ: જાણો ટીબીના લક્ષણો અને કારણો

Social Share

વિશ્વ ક્ષય રોગ દિવસ દર વર્ષે 24 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને આ રોગ અને તેના નિવારણ વિશે જાગૃત કરવાનો છે. આ રોગ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયાથી થાય છે. તો,ચાલો આપણે જાણીએ કે, ક્ષય રોગના લક્ષણો શું છે. અને તેને કેવી રીતે અટકાવવું.

ટ્યુબરક્યુલોસિસ એક સંક્રમિત બીમારી છે, જે સામાન્ય રીતે ફેફસાં પર હુમલો કરે છે. ધીરે ધીરે તે મગજ અથવા કરોડરજ્જુ સહિત શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે. ટીબીના મોટાભાગના કેસો એન્ટીબાયોટીક્સથી મટાડવામાં આવે છે. પરંતુ તેમાં ઘણો સમય લાગે છે. સામાન્ય રીતે આ દવા 6 થી 9 મહિના સુધી ચાલે છે.

ટીબીનાં લક્ષણો- લેટેન્ટ ટીબીનાં કોઈ લક્ષણો નથી. સ્કીન અથવા બ્લડ ટેસ્ટ દ્વારા તે શોધી શકાય છે. તો,એક્ટિવ ટીબીમાં 3 અઠવાડિયાથી વધુ સમય સુધી કફ રહી શકે છે. છાતીમાં દુખાવો,ઉધરસમાં લોહી નીકળવું, થાક, રાત્રે પરસેવો, ઠંડી લાગવી, તાવ, ભૂખ ઓછી થવી અને વજન ઓછું થવું એનાં મુખ્ય લક્ષણો છે. જો તમને આમાંના કોઈપણ લક્ષણોની અનુભૂતિ થાય છે,તો તમારા ડોક્ટરનો સંપર્ક કરો અને તમારી તપાસ કરાવો.

ટીબીનાં કારણો- ફ્લૂની જેમ હવામાં ફેલાતા બેક્ટેરિયા પણ ટીબીનું કારણ બને છે. તે સંક્રમિત બીમારી છે. અને સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા પછી જ ફેલાય છે. આ સિવાય HIV ના દર્દીઓ,હોસ્પિટલોમાં કામ કરતા લોકો અને સિગરેટ પીનારાઓને આનું વધુ જોખમ હોય છે.

હેલ્ધી ઈમ્યુન સિસ્ટમ દ્વારા ટીબી બેક્ટેરિયાથી લડી શકાય છે. પરંતુ જો તમને HIV, ડાયાબિટીઝ, કિડની બીમારી, માથું અથવા ગળાના કેન્સર હોય અથવા તમારું વજન ઓછું હોય તો તમે આ બીમારી સરળતાથી થઇ શકે છે. આ સિવાય આર્થરાઇટિસ, ક્રોહન રોગ અને સોરાયસિસ માટેની દવાઓ લેનારાઓને પણ ટીબી થવાની સંભાવના વધારે છે.

-દેવાંશી