Site icon Revoi.in

શાળાઓમાં કાયમી શિક્ષકો હાજર થતાં જ જ્ઞાન સહાયકોને છૂટા કરાશે, કરારની શરતોમાં ફેરફાર

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘણીબધી જગ્યાઓ ખાલી છે. રાજ્ય સરકારે શિક્ષકોની ખાલી જગ્યાઓ પર 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતી સામે ટાટ અને ટેટ ઉતિર્ણ ઉમેદવારોએ ભારે વિરોધ કર્યો છે. અને રોજ-બરોજ લડતના કાર્યક્રમો પણ આપવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયકો પાસે જે કરારનામું લેવામાં આવે છે. એમાં આંશિક ફેરફાર કરીને એવી શરત મુકી છે. કે, કાયમી શિક્ષકોની ભરતી બાદ જ્ઞાન સહાયકોને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવશે.

સૂત્રોના જણાવ્યામુજબ રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે મુજબ જ્ઞાન સહાયકને શાળા કક્ષાએ નિયુક્તિ સમયે કરવાના થતા કરારનો નમૂનો તેમજ કરારની બોલીઓ અને શરતો નક્કી કરવામાં આવી છે. જ્ઞાન સહાયકોની 11 માસના કરાર માટેની મુદ્દત પૂરી થતા  જ્ઞાન સહાયક શિક્ષકો છુટા થયેલા ગણાશે અને 11 માસ પછી રિવ્યુના અંતે જ્ઞાન સહાયકની કામગીરી સંતોષકારક લાગશે તો શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર આપવામાં આવશે. આ જગ્યાની કામગીરી કે વર્તણૂક સંતોષકારક નહીં જણાય તો કોઈપણ જાતની નોટિસ વગર કરારનો અંત લાવી શકાશે. અને આ માટે એક માસની નોટિસ આપવાની રહેશે.

શિક્ષણ વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે, જ્ઞાન સહાયક ની કામગીરી માટે મહિને રૂપિયા 21,000 માનદવેતન ચૂકવાશે. કરારની મુદત દરમિયાન આ માનદવેતન ઉપર કોઈ પણ પ્રકારનો વધારો ઇજાફો કે અન્ય નાણાકીય લાભ મળવાપાત્ર નથી. આ જગ્યા પર શાળા કક્ષાએ નિયમિત શિક્ષકોની ભરતી થતા અથવા પ્રસુતિની રજા કે લાંબી રજા પર ગયેલા શિક્ષકો પાછા ફરે અથવા બદલીથી કોઈ શિક્ષક હાજર થાય એટલે કે 11 માસની મુદત પહેલા કોઈ નિયમિત શિક્ષક હાજર થાય તો જ્ઞાન સહાયકને 11 માસની મુદત પહેલા છુટા કરવામાં આવશે. શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા કામગીરીને અનુરૂપ નિર્દેશ કરવામાં આવતી કામગીરી કરવાની રહેશે. જે તે શાળાના અધિકૃત આચાર્યની પરવાનગી વગર જ્ઞાન સહાયક શિક્ષક મુખ્ય મથક છોડી શકશે નહીં. શાળામાં કામકાજના દિવસો દરમિયાન શાળાના સમય તેમજ જરૂર જણાયે શાળાના શૈક્ષણિક સમય ઉપરાંત વધારાના સમય શાળામાં રોકાઈને ઉપચારાત્મક શિક્ષણ, મૂલ્યાંકન તાલીમ, હોમ લર્નિંગ સહિતની તમામ પ્રકારની શૈક્ષણિક અને સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવાની રહેશે. વેકેશનના સમયગાળાનું કોઈપણ પ્રકારનું માન જ વેતન મળવા પાત્ર રહેશે નહીં.