Site icon Revoi.in

કચ્છઃ સરહદી ગામો અને BSFની તમામ ચોકીઓમાં સંચારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતના કચ્છ જિલ્લાના સરહદી ગામો તથા બીએસએફની તમામ ચોકીઓ ઉપર સંચારની સુવિધા પુરી પાડવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. એટલું જ નહીં આ માટે એક કમિટીની પણ રચના કરવામાં આવશે. જે સરહદી વિસ્તારની મુલાકાત લઈને સંચાર સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે અમલીકરણના પગલાં ભરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર કલેકટર કચેરી ભુજ ખાતે કેન્દ્રિય સંચાર વિભાગ અને સુરક્ષાદળોના અધિકારીઓની સંચાર સુવિધા બાબતે બેઠક યોજાઈ હતી. જેમાં સરહદ વિસ્તારના ગામો તેમજ પ્રવાસન સ્થળો કે જયાં ઓછું કે સાવ સંચાર નેટવર્ક મળતું નથી તેવા ગામોને પ્રાથમિકતા આપવા માટે ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રિય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણની સીધી દેખરેખ હેઠળ કચ્છની ઉત્તર ગુજરાત સુધીની સરહદી વિસ્તારો પર આવેલી (બી.એસ.એફ.) સીમા સુરક્ષા દળની તમામ ચોકીઓ પર સંચાર સુવિધા પુરી પાડવામાં આવશે. આ ઉપરાંત કોસ્ટગાર્ડ, એરફોર્સ જેવાં સુરક્ષાદળની સંચાર સુવિધા પણ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવશે. આ અંગે એક જોઇન્ટ કમિટિનીં રચના કરવામાં આવશે. જે સરહદી વિસ્તારોની મુલાકાત લઇ ઉપલબ્ધ સંચાર સ્થિતિનું નિરીક્ષણ કરી પરિણામ આધારિત તત્કાળ સંચાર સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે અમલીકરણના પગલાં ભરશે.

આ બેઠકમાં બી.એસ.એફ.ના એસ.કે.શ્રીવાસ્તવ, એરફોર્સના અધિકારી સ્વાતીબેન, કોસ્ટગાર્ડના બ્રહમદત્ત અને કલેકટર કચેરીના પી.આર.ઓ. નિરવભાઇ બ્રહમભટૃ, ટેલિકોમ વિભાગના ઉપમહાનિર્દેશક આશિષ ઠાકર, સહાયક મહાનિર્દેશક વિક્રમ ચાવડા, બી.એસ.એફ.ના એ.જી.એમ. વાય.એચ.ગોસ્વામી ઉપસ્થિત રહયા હતા.

(PHOTO-FILE)