Site icon Revoi.in

કચ્છને નર્મદાનું વધારાનું 1 મિલીયન એકર ફિટ પાણી વર્ષ 2025 સુધીમાં મળશે

Social Share

ગાંધીનગરઃ કચ્છને નર્મદાનું વધારાનું 1 મિલીયન એકર ફિટ પાણી વર્ષ 2025 સુધીમાં આપવાની કામગીરી પૂર્ણ થવાથી અંજાર, મુન્દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, અને રાપરના 130 જેટલા ગામોના અંદાજે 1.72 લાખથી વધુ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળતો થશે. તત્કાલીન મુખ્યમંત્રી  અને વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ પાણી, ઉદ્યોગો, પ્રવાસન સહિતના વિકાસ કામોનો મહત્તમ લાભ કચ્છને મળે તે માટે હંમેશા પ્રાધાન્ય આપ્યું છે તેને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ સતત આગળ વધારી રહ્યા છે.  તેમ  જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી  કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું.

 તેમણે વધુમાં જણાવ્યા હતું કે, ગુજરાતની જીવાદોરી સમાન બહુહેતુક નર્મદામૈયાના પૂરના વહી જતા વધારાના 3 મિલીયન એકર ફિટ પાણીમાંથી 1 મિલીયન એકર ફિટ સૌરાષ્ટ્રને, 1 મિલીયન એકર ફિટ ઉત્તર ગુજરાતને અને 1 મિલીયન એકર ફિટ કચ્છને ફાળવવાનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે કર્યો હતો. ઐતિહાસિક નિર્ણય સંદર્ભે પાણી આપવાના કામો શરૂ થવાથી હવે નર્મદાપૂરના વહી જતા વધારાના 1 મિલીયન એકર ફિટ પાણીનો જથ્થો કચ્છને આગામી વર્ષ 2025 સુધીમાં મળતો થશે. જેની ફલશ્રુતિ રૂપે સૌરાષ્ટ્રમાં ‘‘સૌની યોજના” અને ઉત્તર ગુજરાતમાં “સુજલામ સુફલામ યોજના” અન્વયે આ પાણી પહોચાડવાના મોટા ભાગના કામો પૂર્ણ થયા છે.

તેમણે ઉમેર્યું હતું કે,, મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં જળ સંપત્તિ વિભાગ દ્વારા અગ્રીમતાના ધોરણે આ કામો હાથ ધરાશે. તબક્કા-1 ના કામો માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે અને કામગીરી પ્રગતિ હેઠળ છે જ્યારે તબક્કા-2 ના કામો માટે ટે‍ન્ડર મંગાવવામાં આવ્યા  છે. જે કામો ટૂંક સમયમાં શરૂ કરાશે. કચ્છના ખેડૂતો-પ્રજાજનોની લાંબાગાળાની લાગણી-અપેક્ષા સંતોષવાનો મુખ્યમંત્રીએ દ્રષ્ટિવંત અભિગમ દાખવ્યો છે જેના પરિણામે જળાશયોમાં આ નર્મદાના નીર પહોચવાથી ભૂગર્ભ જળ ઊંચા આવશે. એટલુંજ નહીં,પશુપાલકો-ખેડૂતોને પાણી મળતાં મબલક ઉત્પાદન મેળવી આર્થિક સમૃદ્ધિ થશે અને પાણીના અભાવે પશુપાલકો-ઢોર ઢાંખરનું સ્થળાંતર પણ અટકશે.

મંત્રીએ  વધુમાં ઉમેર્યુ કે, જળ સંપત્તિ વિભાગ દ્વારા કચ્છ જિલ્લા માટે નર્મદાના વધારાના 1 મિલીયન એકર ફીટ પાણીના ઉપયોગ માટેનું સુવ્યવસ્થિત આયોજન હાથ ધરાયું છે. કચ્છ જિલ્લામાં પાણીની અછતને ધ્યાને લઇ  તે સમયના રાજ્યના મુખ્યમંત્રી તથા હાલના વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ કચ્છ જિલ્લામાં પાણીના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે જુન-2006માં નર્મદાના પુરના વહી જતા વધારાના પાણીમાંથી કચ્છ જિલ્લાને 1 મીલીયન એકર ફીટ પાણીની ફાળવણી કરવામાં આવી હતી. આ 1 મીલીયન એકરફીટ પાણી, કચ્છમાં આવેલ નર્મદાના હયાત કેનાલ નેટવર્કમાંથી અલગ-અલગ સ્થળેથી મેળવીને પાઈપલાઈન / કેનાલ થકી વિવિધ સિંચાઈ યોજનાઓમાં પાણી પહોંચાડવાનું તબક્કાવાર આયોજન કરાયું છે જેના પરિણામે સિંચાઈ માટે વધુ પાણી ઉપલબ્ધ થશે તેમજ ઘાસચારો, ઢોર-ઢાંખરના પીવા સારૂં વગેરે હેતુસર પાણી વિતરીત થઈ શકશે.