Site icon Revoi.in

રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં મજૂરોના અભાવે વેપાર–ધંધાને ભારે ફટકો

Social Share

રાજકોટઃ કોરોનાના કહેર અને મીની લોકડાઉન તેમજ રાત્રિ કરફયુને કારણે બેરોજગાર થયેલા રાજકોટ માર્કેટ યાર્ડના મારવાડી મજૂરો વતન ગયા બાદ પરત નહીં ફરતા યાર્ડમાં વેપાર–ધંધાને જબરો ફટકો પડી રહ્યો છે. મારવાડી મજૂરો લોડિંગ–અનલોડિંગનું મુખ્ય કામ કરતા હોય તેમની ગેરહાજરીમાં ખેડૂતોએ લાવેલો માલ ઉતારવામાં અને વેચાણ સોદો થયા બાદ માલ મોકલવામાં ભારે પરેશાની થઈ રહી છે.

રાજકોટના બેડી માર્કેટ યાર્ડના વેપારીઓએ જણાવ્યું હતું કે, યાર્ડમાં ૫૦૦ દુકાનો અને ૨૦૦ ગોડાઉન સહિત ૭૦૦ એકમ કાર્યરત છે જેની સામે હાલ માંડ ૮૦૦ મજૂરો ઉપલબ્ધ છે. સામાન્ય દિવસોમાં યાર્ડમાં ૨૦૦૦ મજૂરો કામ કરતા હોય છે પરંતુ હાલ તો એવી સ્થિતિ છે કે મોઢે માગ્યા દામ ચૂકવવા છતા મજૂરો મળતા નથી. મજૂરોના અભાવે માલનો નિકાલ થતો ન હોં ધંધા ધીમા પડી ગયા છે.

રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં તમામ ૩૫ જણસીઓની હરાજી શરૂ થઈ ગઈ હોય ખેડૂતો મબલખ માલ લાવવા લાગ્યા છે પરંતુ માલ ઉતારવા માટે મજૂરો મળતા ન હોય ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે.  બેડી માર્કેટ યાર્ડના દુકાનદાર વેપારીઓની હાલત એવી થઈ ગઈ છે કે તેઓ પોતાની દુકાન સંભાળી વેપાર–ધંધો કરે કે પછી મજૂર શોધવા નીકળે ? ખરીદી કે વેચાણનો સોદો થાય કે તુરતં મજૂરોના પ્રશ્નનો સામનો કરવો પડે છે.

રાજકોટ, લોધીકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોમાંથી ખેડૂતો રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં માલ વેચવા આવે ત્યારે વાહન ભાડે લઈને આવતા હોય છે પરંતુ અહીં આવ્યા બાદ મજૂર ન મળે ત્યાં સુધી રોકાઈ રહેવું પડતું હોય ટ્રાન્સપોર્ટર્સ પરેશાન થઈ ગયા છે