Site icon Revoi.in

ખનીજની બેરોકટોક થતી ચોરીઓ અટકાવવા માટે વ્હીકલ ટ્રેકિંગ મોનિટરિંગ સિસ્ટમનો પ્રારંભ

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં ખનનની પ્રવૃતિ બેરોકટોક થઈ રહી છે. ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સમયાંતરે દરોડા પાડીને ખનનની ચોરી પકડી પાડતા હોય છે. પણ ભ્રષ્ટાચારને કારણે ફરી ખનનની ચોરીઓ બેરોકટોક થવા લાગે છે. રાજ્યમાં ગેરકાયદે રેત ખનનની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે ખાણ ખનીજ વિભાગ દ્વારા દેશની સૌપ્રથમ અત્યાધુનિક વ્હીકલ ટ્રેકિંગ મોનિટરિંગ સિસ્ટમ વિકસાવવામાં આવી છે, જેના થકી રેત- માઈનિંગ ખનનની પળેપળની માહિતી રાખવાના પાયલોટ પ્રોજેક્ટનો અમદાવાદ બાદ રાજ્યના પાટનગર ગાંધીનગરથી પ્રારંભ કરવામાં આવ્યો છે, જેના માટે જિલ્લાના 139 જેટલા લીઝધારકોનાં રજિસ્ટર વાહનોમાં GPS સિસ્ટમ ફિટ કરીને દરેક ગતિવિધિ પર બાજનજર રાખવામાં આવશે. હાલમાં 15 જેટલાં વાહનોમાં આ સિસ્ટમ ફિટ કરી ટ્રાયલ રન પણ શરૂ કરી દેવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

રાજ્યમાં ખનીજનો ગેરકાયદે કરોડો રૂપિયાનો કારોબાર થાય છે. જેમાં ખાણ-ખનીજ વિભાગના કેટલાક અધિકારીઓ અને પોલીસ વિભાગના પણ કેટલાક અધિકારીઓ સામેલ હોય છે. હવે ગેરકાયદે રેતીચોરીની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે રાજ્ય ખાણ ખનીજ વિભાગ દ્વારા મહત્ત્વની અત્યાધુનિક ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા વ્હીકલ ટ્રેકિંગ મોનિટરિંગ સિસ્ટમ નામની અત્યાધુનિક સિસ્ટમ વિકસિત કરવામાં આવી છે.

પ્રારંભિક તબક્કામાં દરેક જિલ્લાના 15 જેટલાં વાહનોમાં સિસ્ટમ લગાવવામાં આવી હતી, જેનું જિલ્લા કચેરી તેમજ સ્ટેટ લેવલના કંટ્રોલ રૂમથી સીધું મોનિટરિંગ કરાઈ રહ્યું છે. રાજ્યમાં આશરે 8 હજાર વિવિધ પ્રકારની લીઝ આપવામાં આવી છે, જેમાં મુખ્ય ખનીજ લિગ્નાઈટ, લાઈમ સ્ટોન તેમજ બોક્ સાઈટની 430 જેટલી લીઝ છે. ઉપરાંત માઈનર મિનરલ ગણાતા રેતી, ડોલો માઈટ, માર્બલ તેમજ ગ્રેનાઈટ સહિતની ખનીજ સાડાસાત હજાર જેટલી લીઝ છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમામ પ્રાઇમરી અને સેકન્ડરી લીઝહોલ્ડરોને ILMS પોર્ટલમાં જોડી દેવામાં આવ્યા છે, જેમાં માઈનિંગ લીઝ, ક્વોરી લીઝ, સ્ટોકધારક, ઉદ્યોગ નિર્માણ સાથે સંકળાયેલા લોકો, ખનન કરતાં વાહનો અને ઉપકરણો તેમજ વે બ્રિજધારક સહિતનાને આ પોર્ટલ સાથે જોડી દેવામાં આવ્યા છે.

રાજ્યમાં ચાલતી ગેરકાયદે ખનીજચોરીની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે ખાણ ખનીજ વિભાગ દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા તેમ છતાં ભૂમાફિયાઓ દ્વારા બેફામ રીતે રેત – માઈનિંગ ખનન અને વહન કરવામાં આવતું હતું, જેના ભાગરૂપે ખાણ ખનિજ વિભાગ દ્વારા રેત અને માઈનિંગ ખનનની કામગીરી વધુ પારદર્શક બનાવવા માટે VTMS સિસ્ટમ વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમ થકી રાજ્યમાં રજિસ્ટર લીઝધારકો દ્વારા કયા વિસ્તારમાં કેટલા પ્રમાણમાં અને કેટલા વજનના ખનીજનું વહન કરવામાં આવે છે એની નાનામાં નાની માહિતી કચેરીના કંટ્રોલ રૂમમાં બેઠા બેઠા જ ખબર પડી જશે. જો કોઈપણ લીઝધારક દ્વારા પરવાના સિવાય કે નિયત વજન કરતાં વધુ માત્રામાં રેત ખનન કે વહન કરવામાં આવ્યું હશે તો VTMSની બાજનજરથી બચી શકાશે નહીં.