Site icon Revoi.in

લીકર પોલીસી કેસઃ જેલમાં આવ્યા બાદ કેજરિવાલે ઈન્સ્યુલિન લેવાનું બંધ કર્યું

Social Share

નવી દિલ્હીઃ દિલ્હી લિકર પોલિસી સંબંધિત મામલામાં ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલને જેલમાં ઇન્સ્યુલિન આપવા અને નિયમિત ચેક-અપ કરાવવાની માંગ મુદ્દે કોર્ટે EDને આવતીકાલે એટલે કે શનિવારે પોતાનો જવાબ દાખલ કરવા કહ્યું છે. સુનાવણી દરમિયાન કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની અરજીની નકલ આપવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે વધુમાં કહ્યું કે અમને હજુ સુધી ખબર નથી કે કેજરીવાલની અરજીમાં શું માંગણી કરવામાં આવી છે.

કેજરીવાલ વતી વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, અમે અરજીની કોપી EDને આપી છે. જેલ ઓથોરિટીએ કહ્યું કે, જ્યારે કેજરીવાલને જેલમાં લાવવામાં આવ્યા ત્યારે તેઓ ઈન્સ્યુલિન લઈ રહ્યા હતા, પરંતુ બાદમાં તેમણે પોતે જ તેને રોકી દીધું હતું.  કેજરીવાલના વકીલ સિંઘવીએ કહ્યું કે, કેજરીવાલ 22 વર્ષથી ડાયાબિટીસથી પીડિત છે અને તેઓ દરરોજ ઇન્સ્યુલિન લે છે. કેજરીવાલને એ જ ડૉક્ટરની સલાહ લેવાની છૂટ આપવી જોઈએ જે તેમની ધરપકડ પહેલા સારવાર કરી રહ્યા હતા.

અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલની નિયમિત તપાસ થવી જોઈએ જેથી કરીને તેમની ચિંતાજનક બ્લડ સુગરને નિયંત્રિત કરી શકાય. તેણે જેલમાં 48 વખત ઘરે રાંધેલું ભોજન લીધું હતું, જેમાંથી માત્ર 3 વખત કેરી મોકલવામાં આવી હતી. કેજરીવાલના વકીલે વધુમાં કહ્યું કે, 8 એપ્રિલ પછી કેજરીવાલને ખાવા માટે કેરીઓ મોકલવામાં આવી ન હતી. નવરાત્રીના ભોજન દરમિયાન માત્ર એક જ વાર પુરી ખાધી છે.

જેલ ઓથોરિટીએ કહ્યું કે, કેજરીવાલને ઘરે બનાવેલું ભોજન આપવામાં એવી કોઈ શરત નથી કે તેંમણે ફળો કે કંઈપણ ખાવું જોઈએ, પરંતુ તેઓ ડાયટનું પાલન કરી રહ્યા નથી. અમને એઈમ્સ તરફથી એવો અભિપ્રાય પણ મળ્યો કે, કેજરીવાલે કેરી ખાવાથી બચવું જોઈએ. ઓથોરિટીએ કહ્યું કે જેલ મેન્યુઅલ મુજબ કેદીને ઘરે બનાવેલું ભોજન આપી શકાય નહીં. ઓથોરિટીએ કહ્યું કે, અમારું સૂચન છે કે ઘરે બનાવેલું ભોજન એઈમ્સના રિપોર્ટ પ્રમાણે હોવું જોઈએ. જો આમ ન થાય તો મારે સૂચન કરવું પડશે કે મેન્યુઅલ પ્રમાણે ઘરે બનાવેલો ખોરાક ન આપવો જોઈએ.