Site icon Revoi.in

ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા (સુધારા) વિધેયકને વિધાનસભા ગૃહએ આપી મંજુરી

Social Share

ગાંધીનગરઃ સી.એસ.આર.માં એકત્રિત ફંડ દ્વારા લોકોપયોગી સખાવતી પ્રવૃત્તિઓ વધુ વિક્સે તેવા ઉમદા હેતુથી ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા (સુધારા) વિધેયકમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે એવું મહેસુલ વિભાગનો હવાલો ધરાવતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું. આ વિધેયક બજેટ સત્રના પ્રથમ દિવસે વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું.

ગુજરાત વિધાનસભા ગૃહમાં મહેસૂલ વિભાગનો હવાલો ધરાવતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી રાજય સરકાર પ્રજાના હિતમાં સમયની માંગ મુજબ ગણોત સહિત   કાયદાઓમાં સુધારા કરી રહી છે. સી.એસ.આર.માં એકત્રિત ફંડ દ્વારા લોકોપયોગી સખાવતી પ્રવૃત્તિઓ વધુ વિક્સે તેવા ઉમદા હેતુથી ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા (સુધારા) વિધેયકમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે.

તેમણે આ બિલમાં સુધારા અંગેની વિગતો આપતાં કહ્યું હતું કે,  ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ, 1948 ની કલમ 63 એસી, સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ, 1949ની કલમ 54 બી તેમજ ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કે જે વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર અધિનિયમ, 1958ની કલમ 89 સી માં પણ સમાન રીતે લાગુ પડશે.આ વિધેયકની કલમ- 2,3,4માં  ઉલ્લેખિત કલમો 63-એસી, 54-બી, 89-સીની જોગવાઇઓ મુજબ ફક્ત બિનખેતીની અરજી કરવાની સમયમર્યાદામાં સુધારો કરવા આ બિલ  પસાર કરાયું છે. આથી આ કાયદાના મૂળ હાર્દમાં કોઇ ફેરફાર થતો નથી.

તેમણે કહ્યું હતું કે, કોઇ સખાવતી પ્રવૃતિ કરતી શૈક્ષણિક સંસ્થાઓ, ચેરીટેબલ ટ્રસ્ટો કે સામાજિક સંસ્થાઓ જ્યારે જમીન ખરીદે છે ત્યારે એમને એ ખબર નથી હોતી કે કલમ 63 હેઠળ પરવાનગી લેવાની રહે છે કે કેમ? બિનખેતી પરવાનગી મેળવવાની હોઇ છે કે કેમ? આવી સંસ્થાઓ મહેસૂલી કાયદાઓથી પરિચિત હોઇ એવુ નથી હોતુ. આવી સંસ્થાઓ તો સમાજના લોકોના દાન-ફાળા-ફંડ પર આધારિત હોય છે. જ્યારે આ ફંડ ઉપલબ્ધ થાય ત્યારે આવી સંસ્થાઓ વિકાસના કામો કરે છે. જેથી બિનખેતી કરવાની સમયમર્યાદા પૂર્ણ થઇ હોય તેને પાછળની અસરથી પરવાનગી મળી શકતી નથી. બિનખેતીની પરવાનગી સમયમર્યાદામાં ન મળવાના કારણે તેમના પ્રશ્નોમાં વધારો થાય છે. જેનું નિરાકરણ લાવવા આ સંસ્થાઓની બિનખેતીની અરજી કરવાની સમયમર્યાદામાં સુધારો કરતું બિલ પસાર કરવામાં આવ્યું છે.

મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત ગણોત કાયદાની કલમ 63-એસી હેઠળ સખાવતી હેતુ માટે નોંધાયેલ પબ્લિક ટ્રસ્ટ અને કંપની દ્વારા તા.30/06/2015 કે તે પહેલા ખરીદેલ જમીન બિનખેતી કરવા માટેની અરજી કરવાની  તા.28/08/2020ના બદલે “સરકાર વખતો વખત ઠરાવે તે મુજબ“નો સુધારો કરવા માટેનું બિલ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું છે. અમારી સરકાર આવી ત્યારથી મહેસૂલ વિભાગના જૂના કાયદાઓ કે જેના થકી પ્રજાને હેરાનગતિ કે વિલંબનો સામનો કરવો પડે અથવા સમયની જરૂરિયાત પ્રમાણે કાયદામાં સુધારો કરવો પડે તેવા કાયદાઓમાં વિવિધ પ્રજાલક્ષી વ્યાપક સુધારાઓ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેઓએ ગુજરાતમાં સખાવતી સંસ્થાઓની પ્રવૃત્તિઓને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હતું કારણ કે સખાવતી પ્રવૃત્તિઓ એ રામરાજ્યની ભાવનાને ખૂબ સારી રીતે ચરિતાર્થ
કરે છે.