Site icon Revoi.in

લીંબુ ઉત્પાદનમાં મહેસાણા જિલ્લો મોખરે, મહારાષ્ટ્રમાંથી આવક શરૂ થતાં ભાવમાં થયો ઘટાડો,

Social Share

અમદાવાદઃ ઉનાળાના વધતા તાપમાન સાથે લીંબુના ભાવમાં પણ તોતિંગ વધારો થયો હતો. ઉનાળામાં લીંબુનો વપરાશ વધતો હોય છે. લૂ લાગવાથી બચવા માટે સૌથી વધુ લીંબુનુ પાણી અક્સીર સાબિત થતુ હોય છે. આવામાં આ ઉનાળામાં લીંબુનુ પાણી તો છોડો લીંબુ જોવા પણ દુષ્કર બન્યા હતા. પહેલીવાર લીંબુના ભાવે ચર્ચા જગાવી હતી. ત્યારે  મહારાષ્ટ્રમાંથી લીબુની સારીએવી આવક થતા ભાવમાં થોડા ઘટાડો નોંધાયો છે.  ગુજરાતમાં સૌથી વધુ લીંબુ ઉત્પાદન કરતા મહેસાણા જિલ્લામાં પણ લીંબુના ભાવ ઘટ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ઉનાળાની શરૂઆતથી જ લીંબુની માંગમાં વધારો જોવા મળ્યો હતો. ત્યારે રાજ્યમાં લીંબુના ઉત્પાદનમાં મહેસાણા જિલ્લો મહત્વનું સ્થાન ધરાવે છે. પરંતુ ચાલુ વર્ષે વાતાવરણની અનિયમિતતાને કારણે મહેસાણા જિલ્લામાં લીંબુના ઉત્પાદનમાં ઘટ જોવા મળી હતી. ઉત્પાદનમાં ઘટ થવાના કારણે લીંબુના ભાવ 200 રૂપિયે કિલો સુધી પહોંચ્યા હતા. જોકે છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્રમાંથી લીંબુની આવક શરૂ થતાં હાલમાં લીંબુના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં હોલસેલ માર્કેટમાં 110 થી 120 પ્રતિ કિલોનો ભાવ અને રિટેલમાં 130 થી 140 રૂપિયા પ્રતિકિલોનો ભાવ હોવાનું માર્કેટ યાર્ડના વેપારીઓ જણાવી રહ્યા છે.

મહેસાણા માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, જીરુ, વરિયાળીની જેમ લીંબુના ઉત્પાદનમાં પણ ઉત્તર ગુજરાતનો દબદબો છે. લીંબુના ઉત્પાદનમાં મહેસાણા જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે છે. જ્યારે બીજા નંબરે ભાવનગર જિલ્લો છે. મહેસાણાના લીંબુની નિકાસ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને અન્ય અરબ દેશોમાં પણ જાય છે. મહેસાણા જિલ્લામાં  કડી, ઊંઝા, ઉદાલપુર, ખેરવા, જગુદણ, ઉંટવા, કહોડા, જગન્નાથપુરામાં લીંબુનુ ઉત્પાદન વધુ છે. જિલ્લાની 30 ટકા ખેતી માત્ર લીંબુ પર થાય છે.  ભાવ વધારાનું સૌથી મોટું કારણ લીંબુની અછત છે. દેશભરમાં જે શહેરોમાં લીંબુનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે, ત્યાં ભીષણ ગરમી પડી રહી છે. ગરમીના કારણે લીંબુના ઉત્પાદન પર અસર થઈ રહી છે. ગરમી વધુ હોવાના કારણે લીંબુ શરૂઆતમાં જ નષ્ટ થઈ રહ્યા છે, જેના કારણે ઉત્પાદન પર અસર થઈ છે. ભારે પવન અને ગરમીના કારણે લીંબુ ઝાડ નીચે પડી રહ્યા છે. જેના કારણે ઉત્પાદન પર અસર થઈ છે, તે પણ ભાવ વધારાનું મોટું કારણ છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં લીંબુની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. જો કે, આ વર્ષે ગરમીના પ્રમાણમાં સતત વધારો થયો છે. જેના કારણે ઉત્પાદન પર અસર થઈ છે. આ ઉપરાંત પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના કારણે ટ્રાન્સપોર્ટ ચાર્જ પણ વધ્યો છે. એક તરફ લીંબુના ઉત્પાદન ઘટ્યું, તો બીજી તરફ વધી રહેલો ટ્રાન્સપોર્ટેશન ચાર્જ. બન્ને કારણથી શાકભાજીમાં મોંઘવારી વધી રહી છે. કેટલાક વેપારીઓએ જણાવ્યું કે, ગુજરાતમાં વાવાઝોડા બાદ અસરના કારણે લીંબુનું ઉત્પાદન ઘટ્યું છે. ઉત્પાદન ઓછું થવાના કારણે પણ લીંબુના ભાવ વધ્યા છે. જોકે હાલમાં લીંબુના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ આગામી દિવસોમાં ફરી લીંબુ મોંઘા થાય તેવી શક્યતા છે.