Site icon Revoi.in

એમએસ યુનિવર્સસિટીમાં પણ હવે હિન્દુત્વના પાઠ ભણાવાશે, GRADUATE & PGમાં ડિગ્રી અપાશે

Social Share

વડોદરાઃ  ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીએ અનુસ્નાતકમાં એમએ વીથ હિન્દુ સ્ટડિઝનો અભ્યાસક્રમ શરૂ કર્યા બાદ હવે ગુજરાતની અન્ય યુનિવર્સિટીઓ પણ હિન્દુત્વના પાઠ ભણાવવા અભ્યાસક્રમો શરૂ કરી રહી છે. જેમાં વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં હિન્દુત્વના પાઠ ભણાવવામાં આવશે. એમએસ યુનિવર્સિટીમાં હિન્દુ સ્ટડીઝનો ગ્રેજ્યુએશન કોર્સ શરૂ કરવાની મંજુરી સિન્ડિકેટની બેઠકમાં આપવામાં આવી છે. ત્યારે નવા શૈક્ષણિક સત્રથી હિન્દુત્વનો ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ શરૂ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરાની એમ એસ યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં આર્ટસ ફેકલ્ટીમાં હિન્દુત્વનો કોર્સ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓ હિન્દુત્વ પર હવે બેચલર અને માસ્ટર ડિગ્રી મેળવી શકશે. ચાલુ વર્ષે જ નવા શૈક્ષણિક સત્રથી કોર્સની શરૂઆત કરવામાં આવશે. જેમાં 60 બેઠકો સાથે કોર્સને શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે.  આ અભ્યાસક્રમમાં ભગવદગીતા, રામાયણ, મહાભારત, યોગ, વેદ પુરાણ, ઉપનિષદ અને આયુર્વેદનો સિલેબસ ડિઝાઇન કરવામાં આવ્યો છે. ત્રણ વર્ષનો સ્નાતક અભ્યાસક્રમ હિન્દુ સંસ્કૃતિનું મૂળભૂત જ્ઞાન આપશે અને હિન્દુ મૂલ્યોની સ્થિતિને સ્પષ્ટ કરશે.

એમએસ યુનિના સૂત્રોએ જણાવ્યું હતું કે, હિન્દુત્વના કોર્સની 14 હજાર પ્રતિ વર્ષ ફી રાખવામાં આવી છે. આર્ટસ ફેકલ્ટીના આસિસ્ટન્ટ પ્રોફેસર અને સિન્ડિકેટ સભ્ય દિલીપ કટારિયાએ હિન્દુત્વનો કોર્સ ડિઝાઇન તૈયાર કર્યો છે. તેમના મતે પશ્ચિમી દેશોમાં હિન્દુત્વ વિશે જે નેગેટીવ અભ્યાસ કરાવાય છે, તેને દૂર કરવાનો પ્રયાસ કોર્સમાં કરાશે. સાથે જ એમ એસ યુનિ. હિન્દુત્વ વિશે બહુ આયામી અભ્યાસ વિદ્યાર્થીઓને કરાવશે. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે હિન્દુત્વનો કોર્સ ખૂબ ઉપયોગી નીવડશે એવું યુનિવર્સિટી સત્તાધીશોનું માનવું છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાને લઈને જીટીયુ સંચાલિત ધરોહર સેન્ટર ફોર ઇન્ડિયન નોલેજ સિસ્ટમ દ્વારા આગામી ઑગસ્ટ માસથી 2 વર્ષ માટેનો અનુસ્નાતક કોર્સ એમ.એ. ઈન હિન્દુ સ્ટડીઝ શરૂ કરાશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિને લક્ષ્યમાં રાખીને એમ.એ ઈન. હિન્દુ સ્ટડીઝ વિષયમાં 10 સીટો પર પ્રવેશ પ્રક્રિયા આગામી 15 જુલાઈથી શરૂ થશે. અભ્યાસક્રમ દરમિયાન સંસ્કૃતના વિદ્વાન તજજ્ઞો જેવા કે, પ્રો. કમલેસ ચોક્સી, પ્રો. વસંત ભટ્ટ, ડૉ. મીહિર ઉપાધ્યાય રીસોર્સ પર્સન તરીકે સેવાઓ આપશે. વેસ્ટર્ન થીયરી માટે પ્રો. અતનુ મહોપાત્રા અને ડૉ. શ્રૃતિ આણેરાવ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. આ અભ્યાસક્રમ થકી વિદ્યાર્થીઓ ભારત સહિત વૈશ્વિક સ્તરે ભારતીય જ્ઞાન પરંપરાના ઉભરતા ક્ષેત્રમાં રોજગારીની તકો મેળવી શકશે.