Site icon Revoi.in

સિંહના વિચરણનો વિસ્તાર ગીરના જંગલોથી વિસ્તરીને 30 હજાર ચોરસ કિમી થયો : CM ભુપેન્દ્ર પટેલ

Social Share

અમદાવાદઃ આખા દેશમાં એખિયાટીક લાયન માત્ર ગુજરાતના ગીરમાં જ જોવા મળે છે. દરમિયાન આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સથી વિશ્વ સિંહ દિવસની ઊજવણીમાં સહભાગી થયા હતા. આ પ્રસંગ્રે તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સિંહ સંરક્ષણને પ્રાથમિકતા આપી જુદી જુદી યોજનાઓ અને પ્રોજેકટસ દ્વારા લાયન કન્ઝરવેશન-પ્રોટકશનના અસરકારક પગલાંઓ લીધા છે. એશિયાઇ સિંહના વસવાટવાળા વિસ્તારોમાં જરૂરિયાત પ્રમાણેના રેસ્કયુ સેન્ટરોની સ્થાપના કરવામાં આવી છે.  એટલું જ નહીં આ રેસ્કયુ સેન્ટરોમાં પશુ ચિકિત્સક, સારવાર માટેના અદ્યતન સાધનો, રેસ્કયુ કામગીરી માટેની સાધન સામગ્રી, વાહનોની સુવિધા કરવામાં આવી છે. સિંહના વિચરણનો વિસ્તાર ગીરના જંગલોથી વિસ્તરીને ચોટીલા, સાયલા, અમરેલી, ભાવનગર જેવા સ્થળો-જિલ્લાઓ મળી 30 હજાર ચોરસ કિલોમીટર થયો છે.

સિંહોની સ્થળ પર ત્વરિત  સારવાર કરી શકાય તે માટે અદ્યતન સાધનો સાથેની લાયન એમ્બ્યુલન્સની સુવિધા કરવામાં આવી છે. સિંહો માટે સાસણ ખાતે અદ્યતન લાયન હોસ્પિટલની સ્થાપના કરવામાં આવેલી છે. આ ઉપરાંત વન વિભાગે અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ ગીર હાઇટેક મોનીટરીંગ યુનિટની સ્થાપના કરી છે તેના દ્વારા સિંહોનું સતત નિરીક્ષણ કરવામાં આવે છે. સિંહોના આનુવાંશિક ગુણો જાળવી રાખી સિંહ પ્રજાતિના સંવર્ધન માટે સૌરાષ્ટ્રમાં રામપરા, જૂનાગઢના સક્કરબાગ, સાત વીરડા એમ ત્રણ સ્થળોએ જિન પૂલ શરૂ કરવામાં આવ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણા દેશના એમ્બલમ એટલે કે રાજચિન્હમાં પણ સિંહોની કૃતિઓ રાખવામાં આવી છે. વડાપ્રધાનના ફલેગશીપ પ્રોજેકટ મેઇક ઇન ઇન્ડીયા અભિયાનના લોગો તરીકે પણ તેમણે ગીરના લાયનની પ્રતિકૃતિ મૂકી છે. આવનારા દિવસોમાં રાજ્યમાં 36મી નેશનલ ગેમ્સનું આયોજન થનાર છે, તેનો મેસ્કોટ પણ સિંહ છે. સિંહોના સંરક્ષણ અને સંવર્ધનમાં લોકોનો ખુબ મોટો ફાળો રહેલો છે. આ વર્ષે વર્લ્ડ લાયન ડે ની ઉજવણીમાં બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સૌરાષ્ટ્રના 6 જિલ્લાના 6,800 જેટલી શાળા કોલેજીસના તેમજ અન્ય વન પ્રેમીઓ, અગ્રણીઓ, વન્યપ્રાણી જીવ પ્રેમીઓ  મળીને અંદાજે 15 લાખ લોકો જોડાયા છે.

મુખ્યમંત્રીએ ક્હ્યું કે,  વન વિસ્તારમાં વસતા સ્થાનિક લોકોએ તો સિંહ સાથેના સહઅસ્તિત્વને સ્વીકાર્યુ છે તથા જીવો,જી વવા દો અને જીવાડોના આપણા સંસ્કાર જાળવી રાખ્યા છે. સરકાર દ્વારા લેવામાં આવેલા નક્કર પગલાંઓ, વન વિભાગના અથાગ પ્રયત્નો અને ગુજરાતના લોકોની ભાગીદારી થી સિંહોની વસ્તીમાં ઉત્તરોતર વધારો થતો રહેલો છે. સિંહના વિચરણ-હરફરનો વિસ્તાર ગીરના જંગલોથી વિસ્તરીને ચોટીલા, સાયલા, અમરેલી, ભાવનગર જેવા સ્થળો જિલ્લાઓ મળી 30 હજાર ચોરસ કિલોમીટર થયો છે એમ તેમણે જણાવ્યું હતું.