Site icon Revoi.in

લોકસભા ચૂંટણીઃ બીજા તબક્કામાં 88 બેઠકો ઉપર બે કલાકમાં 12 ટકા મતદાન

Social Share

નવી દિલ્હીઃ લોકસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં આજે 88 બેઠકો ઉપર સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. દરમિયાન બે કલાકમાં જમ્મુ-કાશ્મીરમાં 10.39 ટકા, રાજસ્થાનમાં 11.77 ટકા, મધ્યપ્રદેશમાં 13.82 ટકા, મહારાષ્ટ્રમાં 7.46 ટકા, કર્ણાટકમાં 9.21 ટકા, ઉત્તરપ્રદેશમાં 11.67 ટકા, પશ્ચિમ બંગાળમાં 15.68, અસમમાં 9.71 ટકા, મણિપુરમાં 15.49 ટકા, ત્રિપુરામાં 16.65 ટકા, બિહારમાં 9.84 ટકા, છત્તીસગઢમાં 15.42 ટકા અને કેરલમાં 11.98 ટકા મતદાન થયું હતું. આમ બે કલાકમાં 13 બેઠકો ઉપર અંદાજે 12.20 ટકા જેટલુ મતદાન થયું છે. લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 1202 ઉમેદવારો માટે મતદાન થઈ રહ્યું છે.

લોકસભા ચૂંટણીના બીજા તબક્કા અંતર્ગત આજે 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. 16 કરોડ મતદારો 1200થી વધુ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવાના છે. આજે જે 88 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે તેમાં તમામ 20 કેરળની, કર્ણાટકની 14, રાજસ્થાનની 13, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની આઠ-આઠ, મધ્યપ્રદેશની છ, આસામ અને બિહારની પાંચ-પાંચ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળની ત્રણ-ત્રણ સીટ છે. જમ્મુ-કાશ્મીર અને ત્રિપુરાની એક-એક સીટ સામેલ છે. શરૂઆતમાં બીજા તબક્કામાં 89 બેઠકો પર મતદાન થવાની ધારણા હતી, પરંતુ માયાવતીની બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારના મૃત્યુ પછી, મધ્યપ્રદેશના બેતુલમાં મતદાન ફરીથી શેડ્યૂલ કરવામાં આવ્યું હતું. હવે બેતુલમાં ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન થશે.

બીજા તબક્કાના અગ્રણી ઉમેદવારોમાં ભાજપના ઉમેદવારોમાં કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરનો સમાવેશ થાય છે. તેઓ તિરુવનંતપુરમથી કોંગ્રેસના શશિ થરૂર સામે ચૂંટણી લડી રહ્યા છે. રામાયણ અભિનેતા અરુણ ગોવિલ, અભિનેત્રી હેમા માલિની અને ભાજપના વરિષ્ઠ નેતા તેજસ્વી સૂર્ય અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ, ભૂપેશ બઘેલ અને અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત પણ મેદાનમાં છે. મહત્ત્વનું છે કે, બીજેપી અને વિરોધ પક્ષો બંને માટે બીજા તબક્કામાં સૌથી મહત્વપૂર્ણ રાજ્યો કર્ણાટક અને કેરળ છે. દક્ષિણમાં ભાજપનો એકમાત્ર ગઢ કર્ણાટક છે, જ્યાં ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો. સીમાંકનની ચિંતા અને દક્ષિણના રાજ્યોમાં થયેલા નુકસાન વચ્ચે ભાજપને સારા પ્રદર્શનની આશા છે.