Site icon Revoi.in

લોકસભા ચૂંટણીઃ ફેસબુક-ઈન્સ્ટાગ્રામ ઉપર 40 હજાર વ્યક્તિઓની ટીમ સતત નજર રાખશે

Social Share

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાતની સાથે જ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ દેશમાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ પણ ચૂંટણીને લઈ તૈયારી શરૂ કરી દીધી છે. કંપની ચૂંટણી દરમિયાન ગેરમાર્ગે દોરનારા સમાચારો, ફોટા અને વીડિયો પર કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, કંપની ઇન્ડિયા સ્પેસિફિક ઇલેક્શન ઓપરેશન સેન્ટરને સક્રિય કરશે, જેથી ખોટા સમાચારોને ઓળખી શકાય અને તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તાત્કાલિક દૂર કરી શકાય.

મેટાના જણાવ્યા અનુસાર, ભારતમાં સામાન્ય ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ અને પારદર્શી રાખવા માટે સંપૂર્ણ સહયોગ આપશે. એપ્લિકેશન અને ટેક્નિકલ પ્લેટફોર્મ પર લોકોને ગેરમાર્ગે દોરતા સમાચારોને દૂર કરવા માટે કંપની ખાસ વ્યવસ્થા કરશે. આ ઉપરાંત ચૂંટણીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો દુરુપયોગ ન થાય તે માટે પણ કામ કરવામાં આવશે. ચૂંટણી દરમિયાન મતદારોને ગેરમાર્ગે દોરી શકે તેવા સમાચારોના ફેલાવાને રોકવા માટે તે ઘણા પગલાં લેશે.

2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કંપની સ્પેશિયલ કંટ્રોલ રૂમની સ્થાપના કરશે. તેમાં દરેક ક્ષેત્રના નિષ્ણાતોને સામેલ કરાશે. આમાં જાસૂસી બાબતોને સમજતા લોકો, ડેટા વૈજ્ઞાનિકો, એન્જિનિયરો, સંશોધકો, કાયદો અને સામગ્રીનો સમાવેશ થશે. આ બધા સાથે મળીને ચૂંટણી દરમિયાન ઊભી થઈ શકે તેવી સમસ્યાઓને અગાઉથી ઓળખવાનો પ્રયાસ કરશે અને તેને અટકાવવાના ઉપાયો પણ શોધશે. કંપનીના સુત્રોના જણાવ્યા અનુસાર, ચૂંટણી દરમિયાન ખોટી માહિતીને ફેલતી અટકાવવા અને પારદર્શિતા વધારવાનો પ્રયાસ કરશે. સલામતી અને સુરક્ષા જેવા વિષયો પર વિશ્વભરના 40,000 લોકો કામ કરશે. તેમાં કન્ટેન્ટ ચેક કરતા 15,000 લોકો પણ સામેલ છે, જેઓ Facebook, Instagram અને Threads જેવા પ્લેટફોર્મ પર 70 ભાષાઓમાં કામ કરી રહ્યા છે. તેમાં 20 ભારતીય ભાષાઓનો પણ સમાવેશ થાય છે.