Site icon Revoi.in

લોકસભા ચૂંટણીઃ સાબરકાંઠા બેઠકના ભાજપાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવી રહ્યાં છે. જો કે, પહેલા અમદાવાદ પૂર્વ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યા બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. બીજી તરફ ભાજપામાં કેટલાક ઉમેદવારો ચૂંટણી લડવાનો ઈન્કાર કરી રહ્યાં હોવાનું જાણવા મળે છે. સાબરકાંઠાના ભાજપના ઉમેદવારે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હોવાનું જાણવા મળે છે. ભીખાજી પહેલા જ વડોદરાના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો. આમ ગણતરીના કલાકોમાં જ ભાજપના બે ઉમેદવારોએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરતા રાજકીય આલમમાં તરેહ-તરેહની અચકળો વહેતી થઈ છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ભાજપાએ લોકસભાની ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક ઉપર ભીખાજી ઠાકોર ઉપર પસંદગીનો કળસ ઢોળ્યો હતો. ભાજપાએ બે ટર્મના સાંસદ દિપસિંહને પડતા મુકીને નવો ચહેરો ગણાતા ભીખાજીને ઉમેદવાર બનાવ્યાં હતા. ભીખાજીની પસંદગી થતા તેમના સમર્થકો અને કાર્યકરોએ ઉજવણી પણ શરૂ કરી હતી. તેમજ ભીખાજીએ પ્રચાર-પ્રસાર પણ શરૂ કર્યો હતો. દરમિયાન આજે ભીખાજીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ચૂંટણી લડવાની અનઈચ્છા વ્યક્ત કરી હતી.  ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અંગત કારણોસર ચૂંટણી લડવા નહીં માંગતા હોવાનું જણાવ્યું હતું. ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો ઈન્કાર કરતા તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. ભીખાજી દુધાજી ઠાકોર હાલમાં અરવલ્લી જિલ્લા ભાજપના મહામંત્રી પદ ધરાવે છે તેમજ સાબરકાંઠા કો ઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન હોવાનું પણ જાણવા મળે છે.