Site icon Revoi.in

પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે તેવી દહેશતના કારણે પેટ્રોલ પંપ પર વાહનોની લાગી લાંબી લાઈનો

Social Share

અમદાવાદઃ રશિયા-યુક્રેન યુદ્ધને લીધે ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવ ઉછળીને બેરલ દીઠ 139 ડોલરની સપાટી વટાવી ગયા હોવાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ વધારો ઝીંકાવાની લોકોને દહેશત છે. વધારામાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂરું થતાં સરકાર હવે પેટ્રોલ-ડીઝલના ભાવમાં લિટરે રૂ.10નો વધારો કરશે તેવી ભીતિને લીધે શહેરના તમામ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઇનો લાગી હતી. લોકો પોતાના વાહનોમાં પેટ્રોલ કે ડીઝલની ટાંકી ફુલ કરાવી રહ્યા છે.

રાજ્યમાં અમદાવાદ સહિત મહાનગરોમાં પેટ્રોલ પંપ પર પેટેરોલ અને ડીઝલ પુરાવવા માટે વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી.વાહનચાલકોએ  ભાવ વધારા પહેલા શક્ય એટલું પેટ્રોલ-ડીઝલ પૂરાવી લેવા પમ્પો પર લાઇન લગાવતા કેટલાક પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ખૂટી ગયો હોવાના પાટિયા મારી પમ્પ બંધ કરી દીધા હતા. પેટ્રોલ પમ્પના કેટલાક ડિલરોના જણાવ્યા અનુસાર ભાવવધારાની દહેશતે સામાન્ય દિવસની સરખામણીએ પેટ્રોલ-ડીઝલના વેચાણમાં 20થી 25 ટકાનો વધારો થયો હતો.

પેટ્રોલ પમ્પ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે, કેટલાક પેટ્રોલ પમ્પ બહાર વાહનોની લાંબી લાઇનને કારણે રોડ પર પણ ટ્રાફિક જામ થઈ ગયો હતો. સોમવારે અને આજે મંગળવારે પણ સામાન્ય દિવસો કરતા પેટ્રોલ-ડીઝલના વેચાણમાં વધારો થયો હતો. પેટ્રોલ-ડીઝલના ભાવમાં એકાદ-બે દિવસમાં વધારો થવાની શક્યતા છે. કારણ કે આંતરરાષ્ટ્રીય ક્રુડના બેરલમાં અસામાન્ય વધારો થયો છે. ઉપરાંત રૂપિયાનું મૂલ્યમાં ઘટાડો થયો છે એટલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યા વિના સરકારને છૂટકો નથી. જોકે પાંચ રાજ્યોની ચૂંટણીને લીધે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરાયો નહતો, હવે પાંચેય રાજ્યોની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. એટલે આજકાલમાં વધારો થશે તે નક્કી છે.