Site icon Revoi.in

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી, ભાજપના સ્ટાર પ્રચારોની ચાદી જાહેર

Social Share

ભોપાલ: ભારતીય જનતા પાર્ટીએ શુક્રવારે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 40 નેતાઓ મધ્યપ્રદેશમાં ચૂંટણી સભાઓને સંબોધશે. ભાજપના સ્ટાર પ્રચારકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પ્રચાર કરશે.

કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા, પીયૂષ ગોયલ, નરેન્દ્ર સિંહ તોમર, સ્મૃતિ ઈરાની, જ્યોતિરાદિત્ય સિંધિયા, ભૂપેન્દ્ર યાદવ, અશ્વિની વૈષ્ણવ, વીરેન્દ્ર કુમાર ખટિક, અનુરાગ સિંહ ઠાકુર, ફગ્ગન સિંહ કુલસ્તે, એસપી સિંહ બઘેલ, કૃષ્ણપાલ ગુર્જર, પ્રહલાદ પટેલ પણ જનતા વચ્ચે શિવરાજ  સરકારનું રિપોર્ટ કાર્ડ રાખશે. આ સિવાય મનોજ તિવારીને પણ સ્ટાર પ્રચારકોમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આસામના સીએમ હેમંત વિશ્વ શર્મા, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક પણ ચૂંટણી પ્રચારમાં જોવા મળશે.

જો કે મીડિયા રિપોર્ટ અનુસાર, ઓપિનિયન પોલમાં આગામી વિધાનસભા ચૂંટણીના સંભવિત પરિણામોની આગાહી કરી છે. આ સર્વે અનુસાર, બીજેપી અને કોંગ્રેસ બંને પક્ષો તૈયાર છે અને બંને પક્ષોને 42 ટકાથી વધુ વોટ શેર મળવાની ધારણા છે.

મધ્યપ્રદેશના ઓપિનિયન પોલ અનુસાર, બીજેપીને 42.80 ટકા વોટશેર સાથે લગભગ 102-110 બેઠકો મળવાની ધારણા છે. જ્યારે કોંગ્રેસને 43.80 ટકા વોટશેર સાથે 118-128 બેઠકો મળવાની ધારણા છે. બાકીની પાર્ટી 13.40 ટકા વોટશેર સાથે લગભગ 0-2 બેઠકો જીતી શકે છે.

આ સર્વે અનુસાર, નિમારમાં કોંગ્રેસને 41 થી 45 બેઠકો જીતવાનો અંદાજ છે, જ્યારે બીજેપી માંડ 20 થી 24 બેઠકો જીતી રહી છે. મહાકૌશલમાં બીજેપી આગળ છે અને તેને 18 થી 22 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે કોંગ્રેસને 16 થી 20 બેઠકો મળવાની સંભાવના છે.