Site icon Revoi.in

મધ્યપ્રદેશઃ પર્યાવરણને બચાવવા પર્વતની ઉપરના પથ્થરો ઉપર રામનું નામ લખીને સ્વચ્છ રાખવાનો પ્રયાસ

Social Share

દિલ્હીઃ પર્યાવરણ બચાવવા લોકો હંમેશા વિવિધ પ્રયોગો કરતા આવ્યા છે. દેશમાં પર્યાવરણ માટે ઘણી સરકારી અને બિનસરકારી સંસ્થાઓ કામ કરી રહી છે. આવી સ્થિતિમાં મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના લવકુશનગરના નાના ગામ મુડેરીમાં રહેતા ગ્રામજનોએ પર્યાવરણ બચાવવા માટે રામ નામનો અનોખો પ્રયોગ કર્યો છે. આ પ્રયોગ સફળ તો થયો હવે ગામની યુવા પેઢી તેની જવાબદારી નિભાવી રહી છે.

વાસ્તવમાં મુડેરી ગામ એક પર્વતથી ઘેરાયેલું છે, ગામના લોકો આ પર્વતને નંદીશ્વર પર્વત કહે છે. ગ્રામજનોનું કહેવું છે કે આ ખૂબ જ પ્રાચીન પર્વત છે અને તેમાં અનેક પ્રકારના ઔષધીય વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ પહાડ પર હજારો ખડકો છે, પરંતુ લગભગ 20 વર્ષ પહેલા આ પહાડ પર માત્ર ગંદકી જ નહી પરંતુ લોકો સતત વૃક્ષો પણ કાપી રહ્યા હતા.

પહાડ પરના પત્થરો ઉપાડી ગયા પછી લોકો તેનો ઉપયોગ પોતાના ઘરમાં કરે છે. એટલે કે ગેરકાયદેસર ખનન પણ થઈ રહ્યું હતું. આ બધાથી પર્વતને બચાવવા અને તેને સ્વચ્છ રાખવા માટે ગામના લોકોએ પર્વતની શિલાઓ પર ‘રામ’ નામ લખવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે પર્વત સુરક્ષિત અને સ્વચ્છ થવા લાગ્યો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સહિત સમગ્ર દુનિયા ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. જેથી પર્યાવરણની જાળવણી માટે વિવિધ દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. સરકારની સાથે વિવિધ સામાજીક સંસ્થાઓ પણ પર્યાવરણની જાળવણી માટે કામગીરી કરી રહી છે.