Site icon Revoi.in

MP: શિવરાજ સિંહે રાજ્યપાલને આપ્યું રાજીનામું, 14મી ડિસેમ્બરે નવી સરકાર શપથ ગ્રહણ કરશે

Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશમાં નવા મુખ્યમંત્રીની ભાજપા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ધારાસભ્ય દળની બેઠકમાં મોહન યાદવને મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. દરમિયાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ રાજ્યપાલને મળ્યાં હતા. તેમજ પોતાનું રાજીનામું સોંપ્યું હતું. દરમિયાન મોહન યાદવે સરકાર બનાવવા માટે દાવો રજુ કર્યો હતો. જેથી આગામી 14મી ડિસેમ્બરના રોજ નવી સરકારનો શપથવિધી સમારોહ યોજાશે. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહે તેવી શકયતા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી તરીકે મોહન યાદવની સાથે મંત્રીમંડળના કેટલાક નેતાઓ પણ શપથ ગ્રહણ કરશે. જે બાદ આગામી દિવસોમાં મંત્રીમંડળમાં વિસ્તરણ કરવામાં આવશે. મોહન યાદવની સાથે રાજેન્દ્ર શુક્લ અને જગદીશ દેવડા સહિત કેટલાક નેતાઓ શપથ ગ્રહણ કરશે. જો કે, કેન્દ્રીય રાજનીતિમાંથી પ્રદેશની રાજનીતિમાં મોકલવામાં આવેલા પ્રહલાદ પટેલ, કૈલાશ વિજ્યવર્ગીય અને શિવરાજ સિંહ ચૌહાણને નવી સરકારમાં કંઈ ભૂમિકા આપવામાં આવે છે. તેની ઉપર સૌની નજર મંડાયેલી છે. જો કે, આગામી દિવસોમાં મધ્યપ્રદેશમાં ભાજપની સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.

ભાજપનું હાલ તમામ ધ્યાન રાષ્ટ્રીય રાજનીતિ એટલે કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી ઉપર છે. પાર્ટીનો લક્ષ્ય મધ્યપ્રદેશમાં લોકસભાની તમામ 29 બેઠકો જીતવાનો છે. ભાજપા વર્ષ 2019માં યોજાયેલી લોકસબાની ચૂંટણીમાં છિંદવાડાની બેઠકને બાદ કરતા 28 બેઠકો ઉપર જીત્યું હતું. ભોપાલમાં ધારાસભ્ય દળની બેઠકમાં નવા મુખ્યમંત્રી તરીકે ડો. મોહન યાદવના નામની જાહેરાતને પગલે તેમના સમર્થકોએ ફટાકડા ફોડી તથા મીઠાઈ વહેંચીને ઉજવણી કરી હતી.