Site icon Revoi.in

માફિયા મુખ્તાર અંસારીનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, જેલમાં બેભાન થઈ પડ્યો, UPમાં હાઈએલર્ટ

Social Share

લખનૌઃ ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં કેદ માફિયા ડોન મુખ્તાર અંસારીનું ગુરુવારે રાત્રે હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યુ હતું. મુખ્તારને જેલમાંથી રાત્રે સવા આઠ કલાકે રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં ઊલટીની ફરિયાદ અને બેભાન અવસ્થામાં લઈ જવામાં આવ્યો હતો.ત્યારબાદ તબીબો દ્વારા ત્વરિત સારવાર શરૂ કરવામાં આવી હતી.પરંતુ તેને બચાવી શકાયો નહીં.  દરમિયાન મુખ્તારને  ધીમુ ઝેર આપવામાં આવ્યું હોવાનો તેના પરિવારજનોએ જેલ તંત્ર સામે આક્ષેપ કર્યો હતો.

મુખ્તાર અંસારીના મોત બાદ બાધામાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં પણ સુરક્ષામાં વધારો કરાયો છે. લખનઉ, કાનપુરથી લઈને મઉ, ગાઝીપુર તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓને સુરક્ષા વધારવા આદેશ અપાયા છે. સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ ફોર્સ તહેનાત કરવા અને પેટ્રોલિંગ વધારવા આદેશ આપી દેવાયો છે. મુખ્તારનો પરિવાર તેને મળવા મંગળવારે મેડિકલ કૉલેજ આવ્યો હતો. જોકે માત્ર તેના સાંસદ ભાઈ અફઝલ અંસારીને જ મળવા દેવાયો હતો. ત્યારબાદ મુખ્તારના પુત્ર ઉમર અંસારીએ આક્ષેપ કર્યો છે કે, લોકલ તંત્ર સહિત સરકાર તેમને મારવાનો પ્રયાસ કરી રહી છે. તેણે સુરક્ષા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. મુખ્તારે પણ પોતાને ધીમુ ઝેર આપતા હોવાનો જેલ વહિવટીતંત્ર પર આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ ફરી તબિયત ખરાબ થતા તેને દુર્ગવાવતી મેડિકલ કૉલેજમાં દાખલ કરાયો હતો. જ્યાં તેનો તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ ફરી જેલમાં મોકલી દેવાયો હતો.

ઉત્તર પ્રદેશમાં ખુંખાર માફિયા અતીક અહેમદના ખાતમા બાદ માફિયામાંથી રાજનેતા બનેલા મુખ્તાર અન્સારીનો પરિવાર ચર્ચામાં આવ્યો હતો. મુખ્તાર અંસારી 2021થી બાંદા જેલમાં બંધ હતો. મુખ્તાર વિરુદ્ધ યુપી ઉપરાંત પંજાબમાં પણ કેસ થયો હતો. 1987માં મુખ્તાર પર કોન્ટ્રાક્ટને લઈને પહેલીવાર હત્યાનો આરોપ લાગ્યો હતો. ગુનાની દુનિયામાં મુખ્તારની આ પહેલી મોટી એન્ટ્રી હતી. મુખ્તાર અંસારી સામે કુલ 61 કેસ દાખલ હતા. 2005માં સમગ્ર દેશમાં મુખ્તાર અંસારીનું નામ ચર્ચામાં આવ્યું હતું. ભજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યામાં તેમનું નામ સામે આવ્યું હતું. જોકે, જ્યારે કૃષ્ણાનંદની હત્યા થઈ ત્યારે મુખ્તાર તે સમયે જેલમાં હતો.

 ગત વર્ષે ઓક્ટોબરમાં ઉત્તર પ્રદેશની યોગી સરકાર દ્વારા માફીયાઓ સામે ઝડપી કાર્યવાહી કરાઈ હતી, જેના ભાગરૂપે સરકાર દ્વારા મુખ્તાર અંસારીની 605 કરોડ રૂપિયાની સંપત્તિને જપ્ત કરવામાં આવી હતી. અંસારીની સામે કુલ 65 કેસો નોંધાયેલા હતા. જ્યારે અંસારીના કુલ 288  સાથીઓની યાદી પણ તૈયાર કરાઇ હતી, જેની સામે કુલ 156 કેસો નોંધાયેલા છે. મુખ્તાર સામે ઘણા કેસો થયેલા હોવાથી દર વર્ષે કોઇને કોઇ કેસનો ચુકાદો ચાલતો રહેતો હતો. જેથી અંસારી માટે આજીવન જેલમાંથી બહાર આવવું હવે મુશ્કેલ થઇ ગયું હતું.