Site icon Revoi.in

ગાંધીનગરમાં કર્મચારીઓ, શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે કાલે શનિવારે મહાપંચાયત યોજાશે

Social Share

ગાંધીનગરઃ  ગુજરાતના સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો અને કર્મચારીઓ  જૂની પેન્શન યોજનાની માગ સહિત વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત ચલાવી રહ્યા છે. શિક્ષકોએ તથા કર્મચારીઓએ ચોકડાઉન અને પેનડાઉન કરીને આંદોલનનો પ્રારંભ કર્યો હતો. સરકારે મચક ન આપતા હવે આવતી કાલે શનિવારે ગાંધીનગરમાં સત્યાગૃહ છાવણી ખાતે એક લાખ કર્મચારીઓ-શિક્ષકો ભેગા થઈને મહાપંચાયત કરશે. શિક્ષકો ભગવા વસ્ત્રો ધારણ કરીને સાફા બાંધીને જયશ્રી રામના નારા લગાવશે,

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ગુજરાતના ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોના શિક્ષકો અને કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ સાથે  આંદોલન  કરી રહ્યા છે. આ લડતનું નેતૃત્વ RSS સાથે જોડાયેલા શૈક્ષણિક સંઘના રાષ્ટ્રીય સંયુક્ત મોરચાએ લીધુ છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો તથા કર્મચારીઓએ મહિનાઓથી લડત ચલાવી રહ્યા છે. જેમાં તાજેતરમાં શિક્ષકો અને કર્મચારીઓએ ચોકડાઉન અને પેનડાઉન કરીને આંદોલન કર્યું હતું. અગાઉ સરકારે જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો અંગે ગેરંટી આપી હતી. જે ગેરંટી પૂરી ન કરાતા શિક્ષકો, કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. હવે આવતીકાલે 9 માર્ચને  શનિવારના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં એક લાખ શિક્ષકો અને કર્મચારીઓ ભેગા થઈ મહાપંચાયત કરશે.

ગુજરાતના તમામ જિલ્લાઓમાં શિક્ષકો અને કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે  બુધવારે મહામતદાનનો કાર્યક્રમ યોજ્યો હતો. બેલેટપેપરમાં વિવિધ પ્રશ્નો સામે ટિક કર્યું હતું. ઉપરાંત શિક્ષકોએ ચોક વિના જ વાર્તા અને ગીતો મારફતે મારફતે બાળકોને શિક્ષણ આપી વિરોધ કર્યો હતો. શિક્ષકોએ ચોક અને પેનનો ઉપયોગ ટાળ્યો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓની હાજરી મોકલવી અને શિક્ષણ સિવાયની કામગીરીનો બહિષ્કાર પણ કર્યો હતો. હવે આવતી કાલે તા. 9 માર્ચને શનિવારે મહાપંચાયત યોજાશે. જેમાં કેસરી ધ્વજ પતાકા સાથે સમગ્ર ગુજરાતના વિવિધ સંગઠનો સંલગ્ન એક લાખ કરતાં વધુ શિક્ષકો, કર્મચારીઓ ભગવા વસ્ત્રો, ખેસ, જય શ્રીરામના નામની પતાકા અને સાફા પહેરી ગાંધીનગર ખાતે પહોંચશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યભરના સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો તથા કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજના તથા પ્રશ્નોને લઈને સરકારને અનેક રજૂઆત કરી ચૂક્યા છે. જેમાંથી સરકાર સાથે બેઠક કરીને કેટલીક માગણીઓ પૂરી કરવા માટે સરકારે બાંહેધરી આપી હતી. પરંતુ તે અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ પરિપત્ર કરવામાં આવ્યો નથી. (File photo)